ક્રાઇમ:SMCના તબીબે રૂ. 20 લાખનું દહેજ માંગી પત્નીને કાઢી મુક્યાની ફરિયાદ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ ફ્લેટ ખરીદવો હોવાથી પત્ની પર દહેજ માટે દબાણ કર્યું હતું

લગ્નના બે જ વર્ષમાં ડોક્ટર પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજ પેટે રૂ.20 લાખની માંગણી કરીને પરિણીતાને ત્રાસ આપી કાઢી મૂકવામાં આવી હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઈ  છે. પરિણીતા આશા (નામ બદલ્યું છે)એ જણાવ્યું છે કે, તેના લગ્ન 4-8-2018ના રોજ એલપી સવાણી રોડ પર આવેલા વિધાતા એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિક જીતેન્દ્ર પટેલ સાથે થયા હતા. ભાવિક મનપામાં ડોકટર તરીકે ફરજ બજાવે છે.

રૂ.20 લાખ દહેજ પેટે લઇ આવવાની માંગણી કરી
લગ્નના બે ત્રણ માસ બાદ જ આશા અને તેના પતિ તથા સાસારિયાઓ વચ્ચે ઝઘડા થવા લાગ્યાં હતાં. પરિણીતા પોતે ઘરનું કામ કરતી હોવા છતાં સસરા અને સાસુ તેમજ નણંદ દ્વારા ખોટી રીતે નજીવી બાબતે ઝઘડો કરવામાં આવતો હતો. તથા સાસરિયાની ચઢામણી કરતા પતિ મારઝુડ કરતો હતો. તેણીએ આરોપ મૂક્યો છે કે, પતિ ભાવિકે ફલેટ ખરીદવો હોવાથી માતા પિતા પાસેથી રૂ.20 લાખ દહેજ પેટે લઇ આવવાની માંગણી કરી હતી. આ માંગણી આશાએ નહીં સંતોષતા તેણીને કાઢી મૂકી હતી. પરિણીતાએ બનાવ અંગે અડાજણ પોલીસમાં સસરા જીતેન્દ્ર પટેલ, સાસુ જીગ્નાશાબેન, નણંદ નેહલ તથા પતિ ભાવિક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...