ડિંડોલી વૃંદાવન હાઇટ્સમાં ફલેટ લેવાના ચક્કરમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપ્રિન્ટેન્ડેન્ટે 5 લાખની રકમ ગુમાવી પડી છે. આ અંગે ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપ્રિન્ટેન્ડેન્ટે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અજય ઉર્ફે તપન નાયક પીતાંબર નાયક (રહે,સાંઇ એવન્યુ ફલેટ, ડિંડોલી), મંગલ શીરોમણી યાદવ અને અનિલ કુમારેશ દુબે(બન્ને રહે, સાંઇધામ સોસાયટી ગોડાદરા)ની સામે ગુનો નોંધ્યો છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપ્રિન્ટેન્ડેન્ટ તેજસકુમાર મોદીએ જણાવ્યું છે કે, ઓગષ્ટ-2020માં એક મિત્ર મારફતે અજય ઉર્ફે તપન સાથે મુલાકાત થઈ હતી.
અજય અને તેના ભાગીદાર મંગલે ડિંડોલી વૃંદાવન હાઇટ્સમાં 2 ફલેટ બતાવ્યા હતા. જે પૈકી એક ફલેટ પસંદ આવી જતા તેનો સોદો નક્કી કર્યો હતો. આ સાથે જ ટોકન પેટે રૂપિયા 50 હજારની રકમ આપી ડાયરી બનાવી હતી. પછી ફલેટમાં પ્રોબ્લેમ હોવાનું કહી બીજો ફલેટ આપવાનું નક્કી કર્યુ હતું. જે ફલેટનો 25.50 લાખમાં સોદો નક્કી કરી 4.50 લાખની રકમ આપી હતી.
જયારે બેંકમાંથી સુપ્રિન્ટેન્ડેન્ટની લોન મજૂર થઈ જતા અજય ઉર્ફે તપન અને તેના 2 ભાગીદારો દસ્તાવેજ કરી આપવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા હતા. આ ઉપરાંત ઠગોએ આ ફલેટ બીજાને વેચી દીધો હતો. આથી સુપ્રિન્ટેન્ડેન્ટેે 5 લાખની રકમની માંગણી કરતા તેઓ આપતા ન હતા. છેવટે સુપ્રિન્ટેન્ડેન્ટેે ડિંડોલી પોલીસમાં અરજી કરી હતી. આ અરજીના આધારે આખરે પોલીસે ત્રણેય ભાગીદારો સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.