દુખદ:બે મહિના પહેલાં કચરાના ઢગલા પર ત્યજી દેવાયેલી બાળકીનું મોત

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેસ્તાનમાં રાહદારીએ રડવાનો અવાજ સાંભળતા સિવિલમાં લઈ ગયો હતો
  • કતારગામના બાળાશ્રમમાં બાળકી શરૂઆતથી બીમાર રહેતી હતી

બે મહિના પહેલા ભેસ્તાન સીએનજી પંપ પાસે કચરાના ઢગલાં પર તરછોડી દેવાયા બાદ સતત બીમાર રહેતી બાળકીનું શનિવારે કતારગામ બાળાશ્રમમાં મોત નીપજ્યું હતું. સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ શનિવારે સવારે બાળકી ઉંડા શ્વાસ લેતી હોવાથી તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે કતારગામ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

28 ઓક્ટોબર-2020ના રોજ ભેસ્તાન સીએનજી પંપ પાસે પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને એક નવજાત બાળકીને તરછોડી દેવામાં આવી હતી. ત્યાંથી પસાર થતા એક રાહદારીની નજર પડતા તેણે બાળકી બાબતે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ સારવાર માટે બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં 15 નવેમ્બર સુધી બાળકીની સારવાર ચાલી હતી અને 15 નવેમ્બરની રાત્રે બાળકીને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને કતારગામ બાળાશ્રમમાં મોકલવામાં આવી હતી. જ્યાં બાળકીને દ્રવ્યા નામ આપવામાં આવ્યું હતું.

20 નવેમ્બરના રોજ ફરીથી તબિયત ખરાબ થતા તેણીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું જ્યાં 17 ડિસેમ્બર સુધી તેની સારવાર ચાલી હતી. ત્યાર બાદ બાળકીને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી હતી. જોકે માસુમ દ્રવ્યાની તબિયત શનિવારે સવારે ફરીથી લથડી ગઈ હતી અને તે ઉંડા શ્વાસ લેતી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા કતારગામ પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...