કેનેડાથી આવેલી દીકરીને લઇ મુંબઇથી પરત ફરતા પીપલોદના બિલ્ડર તેમના દીકરાને પાંચેક વાગે ગુજરાત-મહારાષ્ટ્ર સીમા નીજક ચારોટી પાસે અકસ્માત થતા પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું. દીકરી અને ડ્રાયવરનો બચાવ થયો હતો. પીપલોદ તિરુપતીનગરમાં રહેતા રાજીવ રજનીકાંત પાજીયાવાલા( 52 વર્ષ) સિવિલ ઇજનેરની સાથે પોતે કન્સ્ટ્રક્શનના વ્યવસાય કરે છે. તેમની દીકરી નીધી કેનેડા અભ્યાસ કરતી હતી. નિધીને લેવા રાજીવ પાજીયાવાલા તેમના દીકરા હર્ષલ( 20 વર્ષ) સાથે રવિવારે રાત્રે નિકળ્યા હતા.
રસ્તામાં વાપીમાં રાજીવ પાજીયાવાલા તેમની બહેનના ઘરે ગયા હતા. ત્યાંથી કેબમાં મુંબઈ એરપોર્ટ ગયા હતા. રાત્રે અઢી વાગ્યે રાજીવભાઇ દીકરી નિધીને લઈને સુરત તરફ નીકળ્યા હતા. ચારોટી પાસે સવારે આશરે પાંચેક વાગે કેબના ડ્રાયવરે આગળ ચાલતા ટેન્કર સાથેે કાર ઠોકી દીધી હતી. તેના કારણે હર્ષલ અને રાજીવ પાજીયાવાલાનું મોત નિપજ્યું હતું.
નિધી અને ડ્રાયવરને સામાન્ય ઇજા થઈ હતી. બનાવ બન્યો ત્યારે નિધી,હર્ષલ અને રાજીવ પાજીયાવાલા સુતેલા હતા. ડ્રાયવરે સ્થાનિક પોલીસને કહ્યું કે તેના આગળ ટેન્કર ચાલતું હતું. તે ટેન્કરનું ટાયર ફાટતા ટેંકર અચાનક થોભ્યું તેથી કાર કંટ્રોલમાં ન રહી અને અકસ્માત થયો હતો.રાજીવ પાજીયાવાલાના કઝીન સુકેતુભાઈએ જણાવ્યું હતું કે હર્ષલે હાલમાં બીએસસી આઈટી પુર્ણ કર્યું હતું.
3 મહિના માટે આવેલી નિધિ પિતા-ભાઈ સાથે ગણતરીના કલાકો જ રહી શકી
નિધિ પજિયાવાલા આમ તો ચાર વર્ષથી કેનેડામાં સ્થાયી થઈ હતી અને તેની પરમેનન્ટ રેસીડેન્સશીપની ફાઈલ ચાલી રહી હતી. લોકડાઉનને કારણે તેની કંપનીમાં તેને વર્ક ફ્રોમ હોમ સોંપાયું હતું. આ દરમિયાન કેનેડામાં વિન્ટર આવવાનું હોવાથી તેના બોસે નિધિને ત્રણ મહિના માટે વતન ભારત જવા માટેની રજા આપી હતી. આ ત્રણ મહિના પરિવાર સાથે રહેવા માટે નિધિ ભારત તો આવી પણ ગણતરીના કલાકો પિતા અને ભાઈ સાથે સમય વીતાવી શકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.