કોર્ટનું કડક વલણ:સુરતના સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર 24 વર્ષીય આરોપીને છેલ્લાં શ્વાસ સુધી જેલની સજા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી મંગલસિંહ ચૌધરીના કૃત્ય સામે કોર્ટે કડક સજા ફટકારતા હવે આ હેવાન કેદમાં જ રહેશે. - Divya Bhaskar
આરોપી મંગલસિંહ ચૌધરીના કૃત્ય સામે કોર્ટે કડક સજા ફટકારતા હવે આ હેવાન કેદમાં જ રહેશે.
  • ,બળાત્કારનો ગુનો શરીર જ નહીં આત્માને પણ અસર કરે છેઃ કોર્ટ
  • ધરપકડ મોડે બતાવનારા તપાસ અધિકારી સામે પણ ઇન્કવાયરી

બે વર્ષ અગાઉ સચિન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર 24 વર્ષીય પરિણીત યુવકને સેશન્સ કોર્ટે છેલ્લાં શ્વાસ સુધી જેલની સજા અને 1 લાખ દંડનો હુકમ કર્યો હતો. બાળકીના પરિજનોને વળતરરૂપે 7 લાખ આપવાનો પણ આદેશ કરાયો હતો. બાળકીને પીંખી ભાગી જનાર આરોપીને લોકોએ પકડીને રૂમમાં પુર્યો હતો. અલબત્ત, તપાસ અધિકારીએ ધરપકડ મોડે બતાવી હતી, આથી તેમની સામે પણ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં કોર્ટે પોતાના આદેશમાં ટાંક્યું હતું કે, બનાવથી ભોગ બનનાર બાળાની બાકીની સામાન્ય જિંદગી ઉપર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે છે તેવો ગુનો તો છે જ પરંતુ વ્યક્તિના આત્માનું પણ મૃત્યુ થાય તેવો ગુનો છે.

કેસની વિગત મુજબ, મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ચૌધરી, (રહે. કોમલ ઇન્ડસ્ટ્રીઝ, સચિન) ઘર નજીક રહેતી 3 વર્ષની દીકરીને તા. 13મી ઓગસ્ટ, 2018ના રોજ ફળ આપવાની લાલચે અપહરણ કરી કારીગરોની ખોલીની અગાસી પર લઇ ગયો હતો અને બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, બાળકીનો રડવાનો અવાજ સાંભળતા લોકો પહોંચ્યા હતા અને અપરાધી ત્યાંથી ભાગી ગયો હતો અને પોતાના રૂમમાં જતો રહ્યો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં બાળકીને જોઇને પિતા તેને તાત્કાલિક હોસ્પિટલે લઇ ગયા હતા. દરમિયાન, લોકોના સહારે પોલીસે આરોપીને પકડી લીધો હતો. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ કેસની ટ્રાયલ ચાલી હતી. જેમાં એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી અંતે કોર્ટે આરોપીને મરે ત્યાં સુધી જેલની સજા કરી હતી.

બાળકીને પીંખી ભાગનાર આરોપીને લોકોએ પકડ્યો હતો, બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજા થઈ હતી
દયાથી ગુના વધી શકેઃ કોર્ટ
આવા ગુનામાં દયા રાખવાથી બાળાઓ પ્રત્યેના ગુનાઓમાં વધારો થાય એમ છે, તેમજ સમાજમાં પણ ખોટો સંદેશો જાય તેમ છે.

7 લાખનું વળતર ચૂકવાશે
કોર્ટે બાળકીને નાલ્સા પીડિત વળતર યોજના હેઠળ 7 લાખ વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો હતો. જેમાંથી બાળકીના નામે 75 ટકા રકમ એફડીમાં રાખવા કહ્યું હતું. બાકીની રકમ બાળકીના માતા-પિતાને ચૂકવવાનો આદેશ કર્યો હતો.

સીસી ફૂટેજ કામ લાગ્યા
સમગ્ર કેસમાં મેડિકલ એવિડન્સ સહિતના અનેક પુરાવા કામ લાગ્યા હતા. આરોપી બાળકીને લઇને જઇ રહ્યો હતો ત્યારે સિક્યુરિટી ગાર્ડે પણ તેને રોક્યો હતો, બાળકી પણ ઓળખી હતી, જોકે, નરાધમે એવું કહ્યું હતું કે, તે બાળકીને રમાડવા માટે લઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...