લાજપોર જેલમાં બંધ માથાભારે આરોપીએ પ્રેમિકા પર હુમલો કરાવતા ગુનો નોંધાયો છે. માથાભારે વિપલ ટેલર સામે ઢગલાબંધ ગુનાઓ પોલીસમાં નોંધાયેલા છે. થોડા દિવસ પહેલા તે ડુમસ રોડ પરથી દેશી તમંચા સાથે ક્રાઇમબ્રાંચે પકડી પાડ્યો હતો. હાલમાં વિપલ ટેલર લાજપોર જેલમાં છે. જેલમાં હોવા છતાં વિપલે હુમલો કેવી રીતે કરાવ્યો તે એક તપાસનો વિષય છે. વેસુમાં પાલિકાના આવાસમાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી 25 વર્ષીય રીયા રાજપૂતની વિપલ સાથે મિત્રતા થઈ અને પછી બન્ને રિલેશનશિપમાં સાથે રહેતા હતા. વિપલ નશો કરી રીયાને મારઝૂડ કરતો હતો. જેથી બન્ને છુટા પડી ગયા હતા.
રીયા સ્પામાં પહેલા મસાજ કરવા જતી હતી. 7મી તારીખે મેનેજર રાહુલનો ફોન આવ્યો અને રીયાને કહ્યું કે 3 ઈસમો મારી સાથે ઈસ્કોન મોલની નીચે ઝઘડો કરી મારામારી કરે છે. આથી રીયાએ નીચે પહોંચી હતી. ત્રણેય બદમાશોએ રીયાને કહ્યું કે અમને વિપલ ટેલરે મોકલ્યા છે, રીયા મળે તો તેને જાનથી મારી નાખજો, આથી હુમલાખોરોએ ધમકી આપી રીયા પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. રીયાએ બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્ર થતા ત્રણેય ત્યાંથી બાઇક પર બેસીને ભાગી ગયા હતા. રીયાને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.