નાના વેપારીઓ અને નાના જ્વેલર્સોને તેમની પ્રોડક્ટની હરાજી કરવા સરળતાથી જગ્યા મળે તે માટે જીજેઈપીસી દ્વારા સુરતમાં ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું ઉદ્ઘાટન 16મીએ છે, જેનું એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા હશે. પહેલું બુકિંગ 18મી ઓગસ્ટે થયું છે. આ ઓક્શન હાઉસ વેસુના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચે અને 2200 સ્ક્વેરફૂટમાં તૈયાર કરાયું છે.
ભારતમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા ત્રણ એજન્સીઓ, એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી, સ્ટેટ ગવર્નમેન્ટની એજન્સી અથવા તો જીજેઈપીસી પોતે બનાવે તો તેની માન્યતા આપવામાં આવે છે. આ ઓક્શન હાઉસ જીજેઈપીસી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદઘાટન જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ દ્વારા કરવામાં આવશે.
રફ-પોલિશ્ડ ડાયમંડ, જેમ્સ-જ્વેલરીનું ખરીદ-વેચાણ સરળ બનશે
જીજેઈપીસીના જણાવ્યા પ્રમાણે આ ઓક્શન હોઉસમાં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરી શકાશે. ખાસ કરીને ભારતનું પહેલું ઓક્શન હાઉસ હોવાથી સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર કે અન્ય શહેરોમાં હીરા જ્વેલરીનો વ્યવસાય કરનારાને પણ લાભ મળશે. વિશ્વનો કોઈ પણ વેપારી આ ઓક્શન હાઉસનો ઉપયોગ કરી શકશે.
હીરા વેપારીઓ ટેન્ડરિંગ પણ કરી શકશે
સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ ઓક્શન હાઉસ બનાવાયું છે. જેમાં કોઈપણ વ્યક્તિ, કોઈ પણ માઈનર માલ બતાવવા માટે અથવા વેચાણ માટે લાવી શકે. લોકલ માર્કેટમાંથી કોઈએ ટેન્ડરિંગ કરવું હોય તે પણ પોતાનો માલ સરળતાથી મૂકી શકશે. આમ, મોટી માઈનર કંપનીઓ સુરતના ડાયટ્રેડ સેન્ટરમાં આવશે જ્યારે નાની કંપનીઓ આ ઓક્શન હાઉસમાં આવશે.
અત્યારસુધી હોટલો ભાડે રાખવી પડતી હતી
સુરતમાં ઘણી કંપનીઓ ખરીદી, વેચાણ, હરાજી કરવા આવતી હતી પરંતુ કોઈ હોટલોમાં આયોજનો થતા હતા. જ્યાં લાઈટ, સિક્યોરટી સહિત લોકરની સુવિધા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ આ ઓક્શન હાઉસ તૈયાર થઈ જવાથી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. - દિનેશ નાવડિયા, જીજેઈપીસી, રીજનલ ચેરમેન.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.