ક્રાઇમ:લાંચિયા PSIનો રિક્ષાવાળો પોતે પણ પોલીસ હોય તેમ રૂઆબ કરતો હતો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુણા PSIને 3 દિવસના રિમાન્ડ, રિક્ષાવાળો કોરોના પોઝિટિવ
  • અન્ય પોલીસોનો​​​​​​​ ભાગ છે કે નહીં તે મુદ્દે PSIનો LVA ટેસ્ટ થવો જોઈએ

પુણા પોલીસ સ્ટેશનના લાંચીયા PSI જે.એચ.રાજપૂત અને તેનો રિક્ષાવાળો 3 લાખની લાંચમાં ACBમાં પકડાયા હતા. ACBના સ્ટાફે પુણા પોલીસના ડી સ્ટાફના PSI જયદીપસિંહ હસમુખસિંહ રાજપુત (36) (રહે, અડાજણ)ને કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટે 6 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા છે. જયારે PSIનો રિક્ષાવાળો જીયાઉદ્દીન સૈયદ ઉર્ફે જીવાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સોમવારે પુણા પોલીસે લકઝરી બસમાંથી 4.88 લાખનો દારૂ સાથે ચાલક સહિત બેને પકડી પાડયા હતા. ટ્રાવેલ્સના માલિકને દારૂના કેસમાં ફસાવવાનું કહી 3 લાખનો તોડ કર્યો હતો. જો કે PSI રાજપુતની સાથે અન્ય કોઈ પોલીસકર્મી કે પોલીસ ઓફિસરની સંડોવણી મુદ્દે તપાસ જરૂરી છે. ACB PSI રાજપુતનો LVA(લેયર વોઇસ એનાલીસીસ) ટેસ્ટ કરાવે તો 3 લાખમાં કોનો કેટલો ભાગ હતો તેનો પર્દાફાશ થઈ શકે. આ માટે એફએસએલ તારીખ આપે ત્યારે PSI રાજપુતને ગાંધીનગર ખાતે આ ટેસ્ટ કરવા માટે એસીબીના સ્ટાફે લઈ જવો પડે છે. પીએસઆઈનો રિક્ષાવાળો જાણે પોતે પોલીસવાળો હોય તેવો રૂઆબ કરતો હતો. એટલું જ નહીં બેનંબરી ધંધાદારીઓ પાસેથી ઉધરાણી કરતો હતો.

સરદાર માર્કેટ વેપારી પાસે તોડ કર્યાની વાત
પુણામાં ખાસ કરીને સરદાર માર્કેટની બહાર પાથરણાં અને શાકભાજીવાળા પાસેથી દિલીપ નામનો માથાભારે પોલીસના નામે પૈસાની ઉઘરાણી કરતો હોવાની શકયતા છે.રોજના રૂ.50 અને લારીવાળા પાસે રૂ.100 દિલીપના પન્ટરો ઉઘરાણી કરતા હોવાની વાત છે. પૈસા ન આપે તો માર મારતા હતા.

અન્ય સમાચારો પણ છે...