નિર્ણય:પાલિકા રત્નકલાકારોને રેપિડ ટેસ્ટિંગ કિટ ફ્રીમાં આપશે, હવે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવી શકાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીમાં પાલિકાની ટીમને બોલાવી ટેસ્ટ કરાવતા 500 રૂપિયા વ્યક્તિ દીઠ આપવા પડશે

હવે રત્નકલાકારો પોતાનો રેપિડ ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં પણ કરાવી શકાશે, જેની ટેસ્ટિંગ કિટ પાલિકા ફ્રી આપશે. લેબોરેટરીનો મિનિમમ ટેસ્ટિંગ ચાર્જ ટોકનરૂપે કરાશે, જે ટેસ્ટિંગ કરાવનારે આપવાનો રહેશે, પરંતુ તે ચાર્જ જે તે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝે ભોગવવાનો રહે છે. આ અંગેની નિતી પાલિકાએ તૈયાર કરી છે. જ્યારે કંપની પોતાની પ્રિમાયસીસમાં પાલિકાની ટીમ બોલાવીને પોતાના કર્મચારી-કારીગરોના ટેસ્ટ કરાવશે. તો તેણે વ્યક્તિ દીઠ 500 રૂપિયા ચૂકવવાના રહેશે.

લેબોરેટરી-ટેક્નિશિયન દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેની સાથે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝે ટાયઅપ કરવાનું રહેશે. જોકે, લેબોરેટરીવાળા તેમનો પ્રોસેસીંગ ચાર્જ ઘટાડે છે કે કેમ તે પ્રશ્ર ઉદ્ધભવ્યો છે. રત્નકલાકારોના કિટનો ખર્ચો પાલિકા ભોગવશે ડાયમંડ યુનિટો કોઈ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવે તેને સર્વિસ ચાર્જ આપવાનો આવે છે તે ડાયમંડ ઈન્ડસ્ટ્રીવાળાએ ચૂકવવાનો રહેશે. લેબવાળાએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે અને જે તે ઈન્ડસ્ટ્રી, યુનિટોએ તેની સાથે ટાયઅપ કરવાનું રહેશે. આ અંગે ગત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

રેપિડ ટેસ્ટ કિટની પડતર કિંમત રૂપિયા 489 છે અને લેબ પોતાનો પ્રોસેસીંગ ચાર્જ તરીકે વધારાના 200 થી 250 રૂપિયા એમ કુલ 700 થી 750 રૂપિયા વસુલવામાં આવી રહ્યાં છે. આ લેબનો પ્રોસેસિંગ ચાર્જ જે છે તેને ઓછો કરવાનો મુળ મુદ્દો છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રી, યુનિટો આ પ્રોસેસિંગ ચાર્જમાં ઘટાડો માંગી રહ્યાં છે. શહેરમાં 200થી વધુ લેબોરેટરી છે. આ બાબતે પાલિકામાં શુક્રવારે બેઠક મળનારી છે.

લેબોરેટરી સાથે આજે બેઠક કરાશે
પાલિકા કિટ નિ:શુલ્ક આપવા તૈયાર થઈ છે ત્યારે ડાયમંડ યુનિટવાળા રત્નકલાકારોના ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા રાજી થયાં છે. પરંતુ લેબના ચાર્જમાં ઘટાડાની માંગણી કરી છે. આ મુદ્દે પાલિકા ખાતે શુક્રવારે બેઠક કરાશે. લેબ સંચાલકો, ટેક્નિશિયનો પોતાનો મુદ્દો રજુ કરે તેમ છે.

પાલિકાએ ચાર્જ લેતા વિવાદ થયો હતો
ટેસ્ટ કરાવવાની જવાબદારી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝની છે પરંતુ તેમના જ કારીગરોનો ટેસ્ટ નહી કરાવતાં પાલિકાએ ચાર્જ લઇ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તેનો વિરોધ થતાં પાલિકાએે નિ:શુલ્ક ટેસ્ટની જાહેરાત કરી હતી. માર્ગદર્શિકા પ્રમાણે કારીગરોનો ટેસ્ટ જે તે ઈન્ડસ્ટ્રીઝે કરવાનો રહે છે આ મુદ્દો ઉભો થતાં પાલિકાએ કિટ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. પરંતુ ખાનગી લેબમાં ટેસ્ટ માટેનો ચાર્જ ડાયમંડ યુનિટવાળાએ ચુકવવાનો રહેશે. તેમના રત્ન કલાકારોએ નહી.

અન્ય સમાચારો પણ છે...