હિમાલય રિજનમાં ભારે હિમવર્ષાને લઉ ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં શીતલહેર છવાઇ છે. સુરત શહેરમાં સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે શુક્રવારે સિઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી. જેને લઇ લોકોએ દિવસે પણ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ઉત્તર દિશાથી ફૂંકાતા બર્ફિલા પવનોને લઇ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડી ગયું છે. આગામી બે દિવસ ઠંડીનો પારો 14થી 16 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. ત્યારબાદ ઠંડીનું પ્રમાણ થોડું ઘટે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રની ઉપર એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમના કારણે ઉત્તર દિશાથી ફૂંકાતા પવનોની ગતિ મંદ પડશે. જેથી ઠંડીની અસરમાં ઘટાડો જોવા મળી શકે છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 28.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 70 ટકા અને સાંજે 66 ટકા રહ્યું હતું. ઉત્તર દિશાથી 7 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.
આગામી 5 દિવસ તાપમાન કેવું રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 26.4થી 28.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15થી 16.5 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. જ્યારે આકાશ સ્વચ્છ રહી વરસાદની કોઇ સંભાવના ન હોવાનું જણાવ્યું હતું. પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે. જ્યારે પવનની ગતિ 6થી 15 કિ.મી વચ્ચે રહેવાની સંભાવના છે.
22 ડિસેમ્બર પછી પારો 11 ડિગ્રી સુધી ઘટી શકે
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લઇ 22 ડિસેમ્બર નજીક ઉત્તર રાજસ્થાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં માવઠાની આગાહી છે. આ સિસ્ટમ વિખેરાઇ ગયા બાદ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોલ્ડવેવનો રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમ્યાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ઠંડીનો પારો 11થી 13 ડિગ્રી વચ્ચે પણ જવાનું અનુમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.