ક્રાઇમ:પીપલોદમાં બેંક મેનેજરની પોતાના ફ્લેટમાંથી કોહવાયેલી લાશ મળી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર જબરદસ્તી મૃતદેહને સારવાર માટે હોસ્પિ. લઈ ગયો

પીપલોદમાં રહેતા સેન્ટ્રલ બેન્કના મેનેજરનો તેમના ફ્લેટમાંથી જ રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર મુંબઈથી રવિવારે આવ્યા બાદ ફ્લેટનો દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશતા આધેડ બેંક મેનેજર મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવા છતાં પત્ની અને પુત્રે હોસ્પિટલ લઈ જવાની જીદ કરી 108ના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતા મૃતદેહ સિવિલ લઈ જવાયો હતો. મૃતદેહ સારવાર માટે લવાતાં ટ્રોમાં સેન્ટરના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.

પીપલોદ પાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા સુશિલ થોમર(54) સેન્ટ્રલ બેંકની ચૌટાપુલ બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. બે દિવસ પહેલા તેમનો પુત્ર અને પત્ની મુંબઈ ગયા હતા. શુક્રવારે પરિવારની તેમની સાથે વાતચીત થઈ હતી. ત્યાર બાદ શુશીલભાઈ સાથે પરિવારની કોઈ વાતચીત થઈ ન હતી. રવિવારે બપોરે પત્ની અને પુત્ર મુંબઈથી પરત આવ્યા ત્યારે ફ્લેટમાંથી કોઈ પ્રતિસાદ ન મળતા દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્યારે સુશિલભાઈ તેમના બેડરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પુત્રે જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી હતી.

સુશિલભાઈનો મૃતદેહ કોહવાઈ ગયો હોવાથી 108ના કર્મચારીએ સુશિલભાઈને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારે ગુસ્સે થઈ હોસ્પિટલ લઈ જવાની જીદ કરી હતી અને 108ના કર્મી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. આખરે ટ્રોમાં સેન્ટરમાં તબીબે તેમને મૃતજાહેર કર્યા હતા. ઉમરા પોલીસે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

પોલીસને જાણ ન કરી હોવાથી ઉધડો લેવાયો
કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળે તેવા સંજોગોમાં 108ના કર્મચારીએ મૃતદેહ ખસેડવાનો હોતો નથી અને પોલીસને જાણ કરવાની હોય છે. જોકે આ બનાવમાં 108ના કર્મચારી દુર્ગંધ આવતી હોવા છતાં મૃતદેહને સારવાર માટે ટ્રોમા સેન્ટર લઈ આવતા ફરજ પર હાજર મેડિકલ ઓફિસર ચોંકી ઉઠ્યા હતા અને 108ના કર્મચારીનો ઉધડો લઈ અધિકારીને ફરીયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...