કોરોનાવાઈરસ:હીરા યુનિટો બંધ રાખવાની સમયમર્યાદા લંબાઈ શકે છે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં પિક પિરીયડ, કેસો હજી વધશે : મ્યુ.કમિશનર
  • 15 હજાર રત્ન કલાકારો સંક્રમીત થાય તો પણ સ્થિતી વિકટ થશે

અઠવાડિયા માટે ડાયમંડ યુનિટો બંધ રાખવાનો મ્યુ.કમિશનરે હુકમ કર્યો હતો. હવે બંધને બે દિવસ જ બાકી હોવાથી ડાયમંડ યુનિટો ફરી બંધ રખાશે કે ચાલુ કરાઇ તેને લઇ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ હાલની સ્થિતિ જોતાં ડાયમંડ યુનિટો બંધ રાખવાની સમયમર્યાદા લંબાવાઇ એવી શક્યતા છે. જ્યારે ટેક્ષટાઇલ માર્કેટ અને તથા જોડાયેલા એકમો બંધ રાખવા અંગે પણ હાલમાં વિચારણા ચાલી રહી છે. કારણ કે આજદિન સુધીમાં ટેક્ષટાઇલ સાથે સંકળાયેલા 686 લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

આગામી દિવસોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળશે
આ સંદર્ભે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે સુરત શહેરમાં 10 લાખ જેટલા રત્નકલાકારો છે. જેમાંથી 15 હજાર લોકોને પણ ચેપ લાગે તો સ્થિતિ વિકટ બની શકે છે. એક સાથે 15 હજાર લોકો માટે હોસ્પિટલમાં વ્યવસ્થા કરવી તે મોટો પડકાર ઉભો થઇ શકે છે. જેથી મુખ્યમંત્રી અને ડાયમંડ એસોસીએશન સાથે મળીને બંધ રાખવા અંગે નિર્ણય લેવાશે. મ્યુ.કમિશનરે વધુમાં જણાવ્યું કે હાલમાં પીક પિરયડ છે. જેથી આગામી દિવસોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળશે. 

ટેસ્ટીંગ વધારીને 700 સુધી લઇ જવાયું
હાલમાં ટેસ્ટની સંખ્યા વધારીને 650થી 700 કરાઇ હોવાનું મ્યુ.કમિશનરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ શહેરમાંથી મોટાપાયે કોમ્યુનિટી સેમ્પલ લવાના શરૂ કરતાં 1 હજાર સુધી ટેસ્ટીગની સંખ્યા પહોંચી હતી. પરંતુ ત્યારબાદ રહસ્યમય રીતે કોમ્યુનિટી સેમ્પલ બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો હતો.

100 વેન્ટીલેટર આવી ગયા, 100 હજી આવશે
રાજ્ય સરકારે સુરતમાં વધી રહેલા કોરોના ના વધતા કેસને પગલે 200 વેન્ટીલેટર ફાળવવાની જાહેરાત કરી હતી. જેમાંથી 100 વેન્ટીલેટર પાલિકાને મળી ગયા છે. જ્યારે બાકીના 100 વેન્ટીલેટર એક-બે દિવસમાં આવશે. 21 જેટલા વેન્ટીલેટર ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલને જરૂર મુજબ વેન્ટીલેટર ફાળવવામાં આ‌વશે.

4 હોસ્પિટલે નજીકના હોટલ સાથે કરાર કર્યા
શહેરની નિર્મલ હોસ્પિટલ, મિશન, બાપ્સ તથા ટ્રાઇસ્ટાર હોસ્પિટલે નજીકમાં જ આવેલી હોટલોમાં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર મળી રહે તે માટે કરાર કર્યા હોવાની માહિતી મળી છે. કોઇ દર્દીના ઘરમાં વૃધ્ધ માતા-પિતા હોઇ ઘરમાં એક જ રૂમ હોઇ તો સંક્રમણ ફેલાઇ તેવી સ્થિતિમાં હોમ બેઇઝડ ટ્રીટમેન્ટને બદલે હોટલમાં ચાર્જ ચુકવી સારવાર મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...