તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્કિંગની વ્યવસ્થા પડી ભાંગી:સિવિલમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરાતા ભારે અવ્યવસ્થા સર્જાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરીટીએ વાહનો ખસેડી બેરિકેડ મુકવા પડ્યા

સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ ઓપીડી ફરીથી સામાન્ય થતા ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા ઓપીડી સામેના પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કરાતા દર્દી તેમજ તેમની સાથે આવતા પરિવારના સભ્યો આડેધડ વાહનો પાર્ક કરી રહ્યા છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગ સામે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. સિવિલમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવા છતા તંત્ર દ્વારા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો નથી તેમજ નવો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડરિંગ પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા પડી ભાંગી છે.

દર્દીઓ તેમજ સગાસંબંધીઓ ઓપીડી બિલ્ડિંગની સામે આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડે તેવી સ્થિતી સર્જાઈ રહી છે. બે દિવસ પહેલા પણ આવી જ સ્થિતી સર્જાતા સિક્યુરીટી સ્ટાફે આડેધડ પાર્ક કરેલા વાહનોની હવા પણ કાઢી નાંખી હતી. સોમવારે પણ ફરી આવી જ સ્થિતી સર્જાઈ હતી.

આખરે સિક્યુરીટી સ્ટાફે આડેધડ પાર્ક કરેલા વાહનોને ભારે જેહમત ઉઠાવી સાઈડમાં ખસેડ્યા હતા અને વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરી બેરિકેડ મુક્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર ધીમી પડતાં અન્ય ઓપીડી શરૂ કરાયા છે. જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

એરીયા બદલાયાના કારણે માપણી ચાલે છે, દસ દિવસમાં ટેન્ડર પ્રક્રિયા થઈ જશે
હોસ્પિટલમાં એરીયા બદલાયા છે. સ્ટેમસેલ અને કિડની બિલ્ડિંગની આસપાસ પણ પાર્કિંગ સ્પેસ છે જેથી આ નવા સ્પેસની માપણી થઈ રહી છે. દસેક દિવસમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કોન્ટ્રાક્ટ આપી દેવાશે. > ડો. ધારીત્રી પરમાર, ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...