સરકાર નહીં ઉમેદવાર બચાવવાનો ડર:સુરતની પૂર્વ બેઠક પરથી AAPના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અન્યોને શહેરથી દૂર હોટલમાં લઈ જવાયા

સુરત4 મહિનો પહેલા
ભાજપના ડરથી આપએ પોતાના ઉમેદવારો ઉમેદવારી પત્ર ખેંચે તેવી વ્યવસ્થા કરી

અગાઉ ધારાસભ્યોને દરેક પોતાની રીતે સલામત રાખવા હોટલ કે રિસોર્ટમાં લઈ જતા જોવા મળતા હતા. જો કે, સુરતમાં તો ચૂંટણી અગાઉ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે તે માટે હોટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આજે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ હતો. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી પોતે સતર્ક થઈ ગઈ હતી. ગઈકાલે જે પ્રકારે પૂર્વ બેઠકો ઉપરથી તેમના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું તેવી રીતે અન્ય ઉમેદવાર પરત ન ખેંચે તેના માટે તેમને સુરતની બહાર લઈ જવાયા હતા.

આપએ પોતાના ઉમેદવારોને શહેરની બહાર હોટલમાં રાખ્યા
સુરત શહેરના તેમજ અન્ય જિલ્લાના ઉમેદવારોને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચી લે તેવા ડરથી શહેરની બહાર લઈ જવાયા હતા. વહેલી સવારે જ આજે આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો ઉમેદવારોનો સંપર્ક કરીને તેમને એક જગ્યા ઉપર એકઠા કર્યા હતા અને ત્યારબાદ તેમને દિવસ પૂર્ણ થાય અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ જાય ત્યાં સુધી શહેરની બહાર રાખવામાં આવ્યા હતા.

પંજાબની ટીમ ઉમેદવારો સાથે રહી
સુરત શહેરના તેમજ અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે પંજાબની ટીમ સક્રિય રીતે આજે વહેલી સવારથી જ સાથે રહી હતી. તેમને બહાર લઈ જવામાં આવ્યા હતા. પંજાબની ટીમ દ્વારા તમામ ઉમેદવારોને એક જગ્યા ઉપર ભેગા કર્યા અને ત્યારબાદ તેમને શહેરની બહાર લઈ જવાયા હતા. જેથી કરીને કોઈ તેમનો સંપર્ક ન કરી શકે અને કોઈપણ ઉમેદવાર ઉપર અન્ય રાજકીય પાર્ટીઓ દબાણ ન કરે અને તેમને ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટે ધાકધમકી ન આપે તે માટે પહેલાંથી તૈયારી કરી લેવામાં આવી હતી.

આપના ઉમેદવારોને શહેર બહારની હોટલમાં લઈ જવાય હતા.
આપના ઉમેદવારોને શહેર બહારની હોટલમાં લઈ જવાય હતા.

સુરક્ષિત જગ્યાએ લઈ આવ્યા
આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું કે, અમને આજે વહેલી સવારે એક જગ્યા ઉપર ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ વિધાનસભાના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમને શહેરની બહાર એક હોટલમાં લઈ જવાયા હતા. ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે પ્રકારનો ખેલ ખેલ્યો અને અમારા ઉમેદવારના પરિવાર ઉપર અને તેમના ઉપર જે પ્રકારે ધાકધમકી આપવામાં આવી હતી તેવું અમારા ઉપર કોઈ દબાણ ન કરે તેના માટે અમારી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું અમને જાણવા મળ્યું છે. અમારા નેતાઓ સાથે અમારી વાતચીત થઈ છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ ગયા બાદ અમને શહેરના બહાર લઈ જવાયા હતા ત્યાંથી પરત લાવવામાં આવ્યા હતા.

આ ઉમેદવારોને લઈ જવાયા હતા
સુરત લિંબાયત બેઠકના ઉમેદવાર પંકજ તાવડે, ઉમેદવાર નાના પાટીલ, સુરત પશ્ચિમ બેઠકના ઉમેદવાર મોક્ષેસ સંઘવી સહિતના ઉમેદવારોને શહેરની બહાર લઈ જવાયા હતા.

કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા આપમાં ડર ફેલાયો છે.
કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા આપમાં ડર ફેલાયો છે.

કોણ છે કંચન જરીવાલા?
કંચન જરીવાલા જરીના કામ સાથે જોડાયેલા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તેઓ વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અંદાજે 14,000 જેટલા મતો મેળવ્યા હતા અને આખી પેનલ જે કોંગ્રેસની હતી તે હારી ગઈ હતી. અગાઉ પણ તેઓ વર્ષો પહેલાં જનતા દળમાંથી કોર્પોરેશનમાં લડ્યા હતા અને અપક્ષમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા. કુલ અત્યાર સુધીમાં તેઓ 3 ઇલેક્શન લડી ચૂક્યા છે. આ વખતે પ્રથમવાર તેઓ વિધાનસભાની ચૂંટણીમાં AAPના ઉમેદવાર હતા.

'મારું ક્યાં કોઈએ અપહરણ કર્યું, ખોટી વાતો ઊડી'
જરીવાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારું કોઈએ અપહરણ કર્યું નથી. સોશિયલ મીડિયામાં ખોટી વાતો ઊડી રહી હતી. મંગળવારનો દિવસ મારા માટે ખૂબ જ ભારે હતો. એક સાથે પાર્ટીના અનેક ઉમેદવારો ઘરે આવી રહ્યા હતા. એક જ વાત કહી કહ્યા હતા કે તમારે ઉમેદવારી પાછી ખેંચવાની શી જરૂર છે. આખો દિવસ ઉમેદવારોનો ઘર પર ધસારો રહ્યો હતો. હું માનસિક તણાવમાં આવી ગયો હતો. તેને લઈને હું બહાર આવતો ન હતો. મારું નામ રદ થવાનું હતું એટલે હું દોડધામમાં લાગ્યો હતો. એફિડેવીટ રજૂ કરવાની હતી. એક તરફ વકીલ ઘરે આવે અને બીજી તરફ પાર્ટીના કાર્યકરો ફોન કર્યા કરે. તેમાંય ઘણા તો ઘરે મળવા આવ્યા હતા. આ દરમિયાન મારો ફોન કોણ લઈ ગયું. ફોન ક્યાં છે તેની મને કંઈ ખબર જ ન પડી. તેમાં જ મારો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હશે. એટલે હું કોઈનો સંપર્ક પણ નથી કરી શક્યો.

પાંચેક દિવસમાં રાજનીતિ અંગેનો નિર્ણય લઈશ
હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે, કંચન જરીવાલા પક્ષપલટો કરશે આ અંગે તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું હજુ અત્યંત માનસિક તણાવમાં છું અને આ મુદ્દે કોઈપણ નિર્ણય નથી કર્યો. આગામી પાંચ દિવસમાં હું જાહેર કરીશ કે રાજનીતિમાં હું રહીશ કે નહીં, ઉમેદવારી પરત ખેંચી લીધા બાદ પણ મારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું રહેવું કે નહીં.એ અંગેનો નિર્ણય પણ પાંચ દિવસ બાદ જાહેર કરીશ. નોંધનીય છે કે સુરતમાં છેલ્લા 48 કલાકમાં બનેલા આ નાટકીય દૃશ્યોના કારણે ગુજરાતના રાજકારણમાં અનેક વમળો સર્જાયાં હતાં અને હાલ આપના ઉમેદવારો દ્વારા એવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે કે કંચન જરીવાલા ભાજપમાં જોડાશે ત્યારે જોવાનું રહેશે કે તેમનો પક્ષપલટો ભાજપ માટે કેટલો ફાયદારૂપ સાબિત થશે.

ઈસુદાનના ટવિટથી શરૂ થયો રાજકીય ડ્રામા
કંચનભાઈને લગતા પોલિટિકલ ડ્રામાની શરૂઆત આજે સવારે AAPના નેતા ઈસુદાન ગઢવીના ટવિટથી થઈ. ઈસુદાને ટ્વીટ કરી ભાજપના ગુંડાઓ કંચન જરીવાલાને કિડનેપ કરી ગયાની વાત કરી હતી. કંચનભાઈના ઘરે જઈને દિવ્ય ભાસ્કરે તપાસ કરતા તેઓ પરિવાર સાથે કશેક ગયા હોવાની ખબર પડી. આવામાં બપોરે અચાનક જરીવાલા ચૂંટણી કચેરીએ ઉપસ્થિત થયા અને 'રાજીખુશી'થી ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ આપી હતી. બીજી તરફ કંચનભાઈએ એક વીડિયો જારી કરીને પોતાના પર કોઈ દબાણ ન હોવાની વાત કરી હતી.

ફોર્મ ભરવા ગયા પછી ગાયબ થઈ ગયા હતા
કંચન જરીવાલા ગાયબ હોવાની વાતો વહેતી થવા અંગે તેમનાં ભાભીએ જણાવ્યું હતું કે, એ ક્યાં છે એ ખબર જ નથી. ગઈ કાલથી કોઈ સંપર્ક થતો ન હતો. ફોર્મ ભરવા ગયા હતા ત્યાંથી જ ગાયબ થઈ ગયા હોવાની વાત મળી હતી. ઘરે પરત આવ્યા જ ન હતા. માતાને પગે લાગીને ગયા એ ગયા પછી આવ્યા જ નથી. આપમાંથી પણ કોઈ પૂછવા આવ્યું નથી. તેમણે પણ ઘરે કોઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ન હતો.

ફોર્મ પરત ખેંચવા માટે દબાણ?
સુરત પૂર્વ બેઠક પર દર વખતે નજીવા માર્જિનથી જીત થાય. એવી સ્થિતિ ભાજપ માટે પણ ઊભી થઈ જતી હોય છે, પરંતુ આ વખતનાં સમીકરણો કંઈક અલગ છે અને કોંગ્રેસ તરફથી જે મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઊતર્યો છે તે પણ મુસ્લિમોના વોટ સારા એવા મેળવી શકે તેમ છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને જો હિન્દુઓના ભાજપ તરફેણના મત મળે તો ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ છે અને સીટ ગુમાવી પણ પડી શકે છે. આવી સ્થિતિ ઊભી ન થાય એના માટે પહેલાંથી જ ગેમ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો હોય એવું લાગે છે. યેનકેન પ્રકારેણ કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લે એના માટેના પ્રયાસો થઈ રહ્યા હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.

ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાયા બાદ એ ચિહ્ન બીજાને મળતું નથી.
ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાયા બાદ એ ચિહ્ન બીજાને મળતું નથી.

ફોર્મ સ્વીકારાઈ ગયા પછી ડમી ઉમેદવારને પક્ષનું ચિહ્ન મળતું નથી
જો કંચન જરીવાલા કોઈ કારણસર પોતાનું ફોર્મ પરત ખેંચી લે તો તેમના જે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે તેને ચૂંટણીમાં લડવું હોય તો પણ તે અપક્ષ તરીકે લડી શકે છે, તેને ઝાડુનું આમ આદમી પાર્ટીનું ચિહ્ન મળી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ટેક્નિકલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સિમ્બોલ જ નીકળી જશે, જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે અને આ રણનીતિના આધારે તેઓ હાલ આગળ વધી રહ્યા હોય એવી ચર્ચા છે.

આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા નવાં સમીકરણો ઊભાં થયાં છે.
આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા નવાં સમીકરણો ઊભાં થયાં છે.

પૂર્વ બેઠક પર નવાં સમીકરણો સર્જાઈ શકે
જો આમ આદમી પાર્ટીના કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લે તો સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થઈ જશે. AIMIM પાર્ટી દ્વારા પણ મુસ્લિમ ઉમેદવારને ઊભો રાખવામાં આવ્યો છે, પરંતુ તેને મત મળે એવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. એને કારણે જે વોટ મુસ્લિમોના કપાવા જોઈએ એ કપાઈ શકે એવી સ્થિતિ દેખાતી નથી.

અન્ય સમાચારો પણ છે...