તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કેન્સરગ્રસ્ત શિક્ષિકા ફ્લેટ વેચી સારવાર કરાવે તે પહેલાં સાસરિયાંએ વેચી માર્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરથાણામાં કેન્સરપીડિત પરિણીતાને ત્રાસ આપનાર પાંચ સાસરિયાં સામે ફરિયાદ
  • વર્ષ 2017માં ખરીદેલા ફ્લેટની લોનના હપ્તા પોતે ભર્યા હતા, ATM કાર્ડ પતિએ લઈ લીધું હતું

સરથાણામાં રહેતી કેન્સર પીડિત પરિણિતાને તેના સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપતા પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સરથાણા વિસ્તારમાં રહેતી 41 વર્ષીય મોનિકા(નામ બદલ્યું છે) પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. પરિવારમાં પતિ ઉપરાંત 9 વર્ષીય દીકરી, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી છે. લગ્નના થોડા વર્ષો બાદ સાસરિયાઓ મોનિકાને દહેજ માટે ત્રાસ આપતા થઈ ગયા હતા. મોનિકાનું એટીએમ કાર્ડ પણ તેનો પતિ રાખતો જ હતો. પતિએ મોનિકાના નામ પર એક મકાન લીધું હતું. મકાનના લોનના હપ્તા મોનિકા પોતાના પગારમાંથી ચુકવતી હતી.

2017માં મોનિકાની તબિયત લથડતા તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાઈ ત્યારે ખબર પડી કે તેને ગર્ભાશયમાં થર્ડ સ્ટેજનું કેન્સર છે. છતાં સાસરિયાઓએ તેની કોઈ સંભાળ નહીં રાખતા પિયરિયાઓની મદદથી મોનિકાએ સારવાર કરી હતી. મોનિકાને સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી પોતાનો ફ્લેટ વેચવા કાઢ્યો ત્યારે ખબર પડી કે સાસરિયાઓએ તેના ફ્લેટનો સોદો અન્ય વ્યક્તિ સાથે કરી નાખ્યો છે. ફ્લેટના લોનની બાકી રહેલી રકમ પણ સાસરિયાઓએ મોનિકાના ખાતામાંથી ભરી દીધી હતી.

ફ્લેટનો અસલ દસ્તાવેજ અને મોનિકાના સોનાના ઘરેણાં પણ સાસરિયાઓએ જ રાખી લીધા છે. મોનિકાએ ફ્લેટનો દસ્તાવેજ પરત મેળવવા માટે સાસરિયાઓને લીગલ નોટીસ મોકલી હોવા છતાં પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી કંટાળીને મોનિકાએ છેવટે સરથાણા પોલીસ સ્ટેશનમાં પતિ વિપુલ, સસરા કરસન, સાસુ સવિતા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...