બસમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ:કાપોદ્રામાં પેરાલિક એસિડના કારણે બસમાં આગ લાગી હતી, FSLએ વધુ સેમ્પલ લીધા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરાલિક-હાઇડ્રોક્લોરિક એસિડ અને સેનેટાઈઝર મિક્સ થતા ધડાકો થયો હતો

કાપોદ્રામાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ ગયું છે. પેરાલિક એસિડના કારણે બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ એફએસએલએ જણાવ્યું છે. જોકે હજી સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

અઠવાડિયા પહેલા કાપોદ્રામાં યોગી ચોક પાસે રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધડાકો થયો હતો જેના કારણે આગ વિકરાળ બની હતી. આ ઘટનામાં એક પરિણીતાનું મોત થયું હતું અને 11 પ્રવાસીઓનો બચાવ થયો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અઠવાડિયામાં FSLએ 10થી વધુ સેમ્પલો લીધા હતા. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલો હતા.

એફએસએલના પરિક્ષણમાં જણાયું છે કે, બસમાં કતારગામથી જે પાર્સલો ચઢાવવામાં આવ્યા હતા તેમાં હાઇડ્રોક્લોરિક એસિડની સાથે પેરાલિક એસિડની બાટલીઓ પણ હતી. તેનાથી એફએસએલના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પેરાલિક એસિડ પુટ્ઠા પર કે કાગળ સાથે જોરથી અથડાય ત્યારે ધુમાળો નીકળે છે અને તેની સાથે અન્ય કેમિકલ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ભળે એટલે આગ લાગવાની સાથે ધડાકો થાય છે. પેરાલિક એસિડની સાથે જ હાઇડ્રોક્લોરિક એસિડની બાટલીઓ પણ હતી.

ઉપરાંત બસમાં સેનિટાઇઝરના પાર્સલો પણ હતા. તેથી એફએસએલ એવા તારણ પર આવ્યું છે કે, પેરાલિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લીક થઈને એક થયા અને તેના કારણે આગ લાગી હતી. જોકે સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એફએસએલએ સોમવારે બસમાંથી વધુ સેમ્પલ લીધા છે. રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...