તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂટેરી દુલ્હન ગેંગ સક્રિય:વેપારી 7 ફેરા લે તે પહેલાં જ દુલ્હન 1.96 લાખની મતા સાથે ફરાર થઈ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કર્ણાટકનો વેપારી સુરતમાં લૂંટાયો
  • વરાછા પોલીસે એકને પકડયો, દુલ્હન સહિત 4 ભાગી છુટ્યા

સુરતમાં પણ હવે લુટેરી દુલ્હન સક્રિય થઈ છે. કર્ણાટકથી સુરતમાં લગ્ન કરવા આવેલા ઝુમ્મરના વેપારીના 1.96 લાખના દાગીના અને રોકડા લઈ લુટેરી દુલ્હન ફરાર થઈ ગઈ જતા વરાછા પોલીસમાં દુલ્હન સહિત 5ની ટોળકી સામે ગુનો નોંધાયો હતો. વરાછા પોલીસે લૂટેરી દુલહન સાથે વેપારીની મિટિંગ થઈ હતી તે અજયને પકડી લીધો છે. કર્ણાટકના એમજી રોડ પર નકુલ લાઇટનસ નામે ઝુમ્મરનો ધંધો કરતા 38 વર્ષીય અંકીત જૈને લગ્ન કરવા માટે કરણ સાંવત મારફતે સતીશ પટેલનો સંપર્ક કર્યો હતો. અંકીત સુરત આવ્યો હતો જ્યાં સતીશ પટેલ સાથે વરાછા મણીબા પાર્ક સોસાયટીમાં એક છોકરી બતાવી હતી.

ત્યાં મેળ પડ્યો ન હતો. પછી સતીશે સોશિયલ મીડિયા થકી અન્ય છોકરીઓના ફોટો મોકલ્યા હતા. જેમાં સ્વાતી ભટ્ટ નામની છોકરી પસંદ આવી હતી.સ્વાતી સાથે લગ્ન કરવા તેના ભાઈને 2.20 લાખ અને દલાલીના 20 હજાર આપવાની વાત કરી હતી. સતીશે પાછો વેપારીને કોલ કરી 1.70 લાખ યુવતીના ભાઈને અને 20 હજાર દલાલી ફાઇનલ કરી હતી.4 જુને વેપારી લગ્ન કરવા માતા સાથે સુરત આવતા સતીશ તેમને વરાછાના મારૂતિ નંદન બિલ્ડિંગમાં સ્વાતીનું મકાન હોવાનું જણાવ્યું હતું. હિતેશ સાથે ઓળખાણ કરાવી 1.50 લાખ આપ્યા હતા. બાકી 20 હજાર 15મી જુને આપવાની વાત કરી હતી.

વોશરૂમના બહાને કાર રોકાવી રફૂચક્કર
વેપારીના માતાએ સ્વાતીને સોનાની વીટી, ઝાંઝર તથા બીછીયા તેમજ એક સાડી આપી લગ્ન કરવા કાપોદ્રામાં તાપી કિનારે મંદિરે ગયા હતા. જ્યાં હારતોળા કર્યા બાદ સાત ફેરા માટે પંડિતના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં સ્વાતીએ વોશરૂમની વાત કરી કાર ઊભી રખાવી રફુચક્કર થઈ હતી.સ્વાતી અને ટોળકીએ 1.96 લાખના દાગીના -રોકડ લઈને ફરાર થઈ હતી.

આરોપીઓ : સતીશ પટેલ (મણીબા પાર્ક સોસા,વરાછા), ગીતા સતીશ પટેલ(મણીબા પાર્ક સોસા,વરાછા) , સ્વાતી ગણેશ ભટ્ટ(ઓરીયા મોરીયા,બીલીમોરા) , હિતેશ ત્રિવેદી , અજય દિલીપ (રણુંજાધામ સોસા,વરાછા)

અન્ય સમાચારો પણ છે...