કાર્યવાહી:નકલી બંદૂકથી પિતા-પુત્રને ધમકી આપનાર બોગસ પોલીસ ભાગી છૂટી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘મારવું હોય તો મારી નાખો’ કહેતા મારના ડરે ગઠિયા છૂ
  • સચિન GIDC પાસેની નાટ્યાત્મક ઘટનામાં ગુનો નોંધાયો

ક્રાઇમ રિપોર્ટર.સુરત | સચીન જીઆઇડીસીના ઉઘોગપતિ પિતા-પુત્રને રસ્તામાં બે બદમાશોએ પોલીસ તરીકેની ઓળખ આપી કારમાં બેસી ગયા હતા. ત્યાર બાદ પ્લાસ્ટીકની રિવોલ્વર લમણે મુકીને મારી નાખવાની ધમકી આપી હતી. પિતા-પુત્ર ધમકીને વશ ન થતાં બંને આરોપી માર પડવાના ડરે ભાગી છૂટ્યા હતાં. આ મામલે સચિન જીઆઇડીસી પોલીસમાં ગુનો નોંધાયો હતો.

મહિધપુરા સુમુલડેરી રોડ પર સહયોગ સોસાયટીમાં રહેતા અને સચિન જીઆઇડીસીના ઉઘોગપતિ એવા જંયતિભાઈ જીવણભાઈ સુદાણી 11મી તારીખે સવારે પિતા જીવણભાઈ સાથે કારમાં સચીન જીઆઇડીસીમાં ફેક્ટરી પર જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં સચીન જીઆઈડીસી પાલીવાલ ચાર રસ્તા પાસે બે બોગસ પોલીસે તેમની કારને અટકાવી હતી. બંને બોગસ પોલીસે ઉઘોગપતિને કહ્યું કે ડાયમંડ પાર્કમાં તમારા ખાતાના કારીગર રવિ, વિરપાલ અને બહાદુરે મોટી લૂંટ કરી મર્ડર કર્યું છે એવુ કહીને વિશ્વાસમાં લઈ બંને બદમાશો કારમાં બેસી ફેક્ટરી પર જવાની વાત કરી હતી.

બંને નકલી પોલીસ ઉદ્યોગપતિની કારમાં બેસી તેમની સાથે તેમના કારખાને જવા નીકળ્યા હતા. રસ્તામાં બંનેએ પોત પ્રકાશ્યું હતું. આ બંને બદમાશોએ પોતાના પાસે રાખેલી પ્લાસ્ટીકની રિવોલ્વર કાઢી પિતા-પુત્રના લમણે મુકી દીધી હતી. ત્યાર બાદ આ બંનેએ પિતા-પુત્રને ધમકી આપતા કહ્યું કે,‘ કાર ફેકટરીને બદલે સીધી આગળ લઈ લે નહિ તો તારો પુત્ર મિત, અસ્મિતા અને તારો ભાઈ રાજુને મારા માણસો સબક શિખવાડશે એમ કહીને ધમકી આપી હતી. ગાડી ચક્રધર ટેક્ષટાઇલની ચોકડી પાસે સાઇડ પર ઊભી રાખી દેતા બન્ને બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા.

આ ઘટનાને કારણે ઉઘોગપતિએ તેના પુત્ર-ભાઈને ઓફિસની બહાર ન નીકળવાની વાત કરી હતી. ઉઘોગપતિએ તેના એક મિત્રને વાત કરી હતી. જેના આધારે સચિન જીઆઇડીસી પોલીસે નકલી પોલીસ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...