બેદરકારી:લાશ ઓળખાઈ પણ પરિવાર પહોંચે તે પહેલાં જ અંતિમવિધિ કરી દેવાઈ હતી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલના સ્ટાફે 2 અજાણી લાશની ઓળખ કરવામાં ગરબડ કરી
  • ભટારના આધેડના મોતની જાણ થતાં મુંબઈથી આવેલા પરિવારને ધક્કો

ભટારમાં બીમાર હાલતમાં મળેલા અજાણ્યા આધેડનું સિવિલમાં મોત થયું હતું. આધેડની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી હતી પરંતુ 2 અજાણ્યા મૃતદેહની ઓળખની મુંઝવણના કારણે એક સંસ્થાએ અંતિમવિધિ કરી દેતા મુંબઈથી લાશ લેવા આવેલા પરિવારને ધક્કો થયો હતો.

ભટાર આંબેડકર નગર પાસેથી 50 વર્ષીય આધેડ બીમાર હાલતમાં મળતા તેમને સિવિલ ખસેડાતા ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. મૃતકના ફોનમાંથી મળેલા નંબરના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કરી ફોટો મોકલતાં મૃતક મુંબઈના રહેવાસી અને સુરતમાં રખડતું જીવન વ્યતિત કરતા જીગર ચંદ્રશેખર પારેખ હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે તેમના ભાઈને મૃતદેહ સોંપવા બુધવારે બોલાવ્યા હતા.

બીજી તરફ જીગરભાઈના ભાઈ સાંજે સિવિલ પહોંચ્યા તો જીગરભાઈનો મૃતદેહ મળ્યો ન હતો. તપાસ કરતા ભૂલમાં જીગરભાઈના મૃતદેહની એક સંસ્થાએ અંતિમવિધિ કરી હોવાનું સામે આવ્યું હતું. આખરે મુંબઈથી આવેલા પરિવારને અંતિમ વિધિ વગર જ પરત ફરવું પડ્યું હતું.

સેવાભાવી સંસ્થાના સભ્ય લાશ લેવા ગયા હતા
ખટોદરા પોલીસ મથકની હદમાંથી જ 7મેના રોજ મળી આવેલા એક અન્ય આધેડની ઓળખ ન થતાં નિયમ મુજબ મૃતદેહની અંતિમવિધિ કરવા માટે પોલીસે સંસ્થાને જાણ કરી હતી, જેથી પોલીસની યાદી સાથે સંસ્થાના કાર્યકર સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ લેવા ગયા હતા. જ્યાં એક સરખી ઉંમરના કારણે થયેલી મુંઝવણમાં પોસ્ટમોર્ટમ રૂમમાં અજાણ્યા તરીકે મુકવામાં આવેલો જીગરભાઈનો મૃતદેહ સંસ્થાને સોંપી દેવાયો હતો અને સંસ્થાએ તેમની બુધવારે સવારે જ અંતિમવિધિ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...