વડોદરાના ભીમનાથ બ્રિજ નજીક યુવક વિશ્વામિત્રી નદીમાં પડયો હોવાની વાતો વહેતી થતાં ફાયરબ્રિગેડ વિભાગે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. મગરની વચ્ચે જીવના જોખમે ફાયર બ્રિગેડના લાશ્કરોએ સવારે મૃતદેહ શોધી કાઢ્યો હતો. અને પોલીસને સોપ્યો હતો. પોલીસે મૃતદેહ કબજે કરી યુવાનના ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
રાત્રે શોધખોળ નહોતી થઈ શકી
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ દર્શન ફ્લેટ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં યુવક પડયો હોવાની ઘટનાએ રવિવારે ચકચાર જગાવી મુકી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ અંધકારના પગલે શોધખોળ અશક્ય બની હતી. કારણકે જે સ્થળે યુવક પડયો હોવાનો સંદેશો મળ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરતા હોય મુશ્કેલી સર્જાઇ હતી. પરિણામે ફાયર વિભાગ દ્વારા જવાનોની સલામતીના ભાગરૂપે શોધખોળ ઓપરેશન મુલતવી રાખ્યું હતું.
મારી નજર સામે કુદ્યો-મહિલા
આ અંગે પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે, મારી નજર સમક્ષ એક યુવક નદીમાં પડ્યો છે. તો બીજી તરફ ખરેખર યુવક પડ્યો છે કે કેમ? તેની સત્તાવાર માહિતી જાણવા મળી ન હતી. પરંતુ, ફાયર બ્રિગેડ દ્વારા મહિલાની માહિતીના આધારે શોધખોળ ચાલુ રાખી હતી. 48 કલાક ઉપરાંતની શોધખોળ બાદ આજે ભીમનાથ બ્રિજથી 500 મીટર દૂરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
મગરો મૃતદેહ ખેંચતા
મળેલી માહિતી મુજબ સવારે ભીમનાથ બ્રિજ ઉપર લોકમાં નિકળેલા સ્થાનિક દિપકભાઇ નામના યુવાનની નજર પાણી ઉપર તરી રહેલા અને મગરો લાશની ખેચતાણ કરી રહ્યા હોવાનું જણાતા તેઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તુરત જ ટીમો આવી પહોંચી હતી. લાશને બહાર કાઢી હતી. વિકૃત થઇ ગયેલી લાશનો કબજો લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઓળખ માટે તપાસ હાથ ધરી
જોકે, વિશ્વામિત્રી નદીમાંથી મળી આવેલા યુવાનના મૃતદેહ અંગે કોઇ વધુ માહિતી પોલીસને મળી નથી. અલબત્ત આ યુવાનના વાલીવારસો પણ કોઇ પોલીસ પાસે આવ્યા નથી. હાલ સયાજગંજ પોલીસે લાશ સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. અને અજાણ્યા યુવાનના વાલી વારસોની તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.