સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતા નિશીત પટેલ નામના યુવકે ગઈકાલ સાંજે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે ફાયરબ્રિગેડ વિભાગને જાણ થતા ગઇકાલે તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે ન મળતા આજે ફરીથી સવારે ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકને શોધવાનો શરૂ કરતાં તેનો મૃતદેહ પાલ આરટીઓ કચેરીની પાછળના ભાગે તાપી નદી કિનારેથી મળી આવ્યો હતો.
અગમ્ય કારણોસર આપઘાત
ભીમરાડ ગામનો રહેવાસી યુવક નિશીત પટેલ અગમ્ય કારણસર પોતાની મોટરસાયકલ લઈને કેબલ સ્ટેઇડ બ્રિજ પહોંચ્યો હતો. ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. મોડી રાતનો સમય હોવાથી ફાયર વિભાગે થોડા સમય માટે યુવકને શોધવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે મળ્યો ન હતો. રાતના સમયે આ રીતે તાપી નદીમાં શોધવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. માટે વહેલી સવારે ફરીથી ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. યુવકને શોધતા પાલ આરટીઓ કચેરીની પાછળ જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ત્યારે યુવકનો મૃતદેહ ત્યાં મળી આવ્યો હતો.
પરિવારમાં શોકનો માહોલ
નિશીત પટેલ શ્રી રામ માર્બલમાં કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. ગઈકાલે તેણે તાપી નદીમાં છલાંગ લગાવી દેતા પરિવારજનો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. નિશીત માત્ર 20 વર્ષનો જ હોવાનું જાણવા મળ્યું છે. કયા કારણસર તેણે આપઘાત કરી લીધો છે. તે અંગે કોઈ પણ સત્તાવાર માહિતી મળી નથી. ફાયર વિભાગ દ્વારા યુવકનો મૃતદેહ પોલીસને સોંપવા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને નિવેદન લેવાના શરૂ કરાયા હતા. પરંતુ કયા કારણસર આપઘાત કર્યો છે. તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.