મોત અંગે રહસ્ય:​​​​​​​સુરતના વરાછામાંથી 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, હત્યા થયાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી

સુરત4 મહિનો પહેલા
મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઈસમની હત્યા થઇ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે(ઈન્સેટ મૃતકના ખીસ્સામાંથી મળી આવેલા દસ્તાવેજમાંથી મળેલી તસવીર)
  • મૃતક ઝવેરભાઈ રાદડિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું

સુરતના વરાછા મીનીબજાર પાસે આવેલી વૃંદાવન સોસાયટી નજીકથી 40 વર્ષીય ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઈસમની હત્યા થઇ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ કરતા મૃતક પાસેથી એક પર્સ મળી આવ્યું હતું.જેમાં તેનું આધાર કાર્ડ હતું. આધાર કાર્ડના આધારે મૃતકનું નામ રાદડિયા ઝવેરભાઈ મનુભાઈ અને તે સરથાણા જકાતનાકા સ્થિત કુબેરનગરમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. તે હીરાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોતનું કારણ અંગે તપાસ શરૂ
ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.મૃતદેહને પીએમ અર્થે ખસેડી છે. પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસ પૂછપરછ શરૂ કરી છે. તેમજ યુવકની હત્યા થઇ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના શરીર ઉપર ઇજાના નિશાન નથી. ઇજાના નિશાન ન હોવાથી પોલીસ અન્ય કારણોને પણ ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પોલીસે તેના પરિવારના લોકોના પણ નિવેદન લીધા હતા ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતાં.
મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતાં.

ભીડવાળા વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો
હીરાબાગ સર્કલ અને મીની બજાર ખૂબ જ વ્યસ્ત વિસ્તારો માનવામાં આવે છે લાખો લોકોની અવરજવર વહેલી સવારથી મોડી રાત સુધી આ વિસ્તારમાં જોવા મળતી હોય છે તેવા સમયે એક બાદ એક મૃતદેહ મળતા પોલીસ માટે પણ પડકાર ઉભો થયો છે. થોડા દિવસો પહેલા હીરાબાગ સર્કલ પાસે BRTS બસ સ્ટેન્ડના બ્યુટીફીકેશન માટે બનાવેલા ગાર્ડનમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ તે ગુનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક જવા પામી છે. પોલીસે આ મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ યુવકના મોતને લઈને હાલ રહસ્ય ઘેરાયું છે.