લોભામણી સ્કીમથી ઠગાઈ:સુરતમાં ડીંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખની 25થી વધુ લોકો સાથે છેતરપિંડી, નેતાઓ અને પોલીસ સાથેના ફોટો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેતરપિંડીનો આરોપી મહાવીર શાહ ભાજપના કાર્યક્રમો હાજર રહેતો હતો. - Divya Bhaskar
છેતરપિંડીનો આરોપી મહાવીર શાહ ભાજપના કાર્યક્રમો હાજર રહેતો હતો.
  • પોલીસે એક ભોગ બનનારની ફરિયાદ લઈ 12.60 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો
  • શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે કહ્યું- આ મામલે પાર્ટી ચોક્કસથી કડક પગલાં લેશે

શહેરના ગોડાદરા ડિંડોલી વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખે ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટાઓ લોકોને બતાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ લોકોને લોભામણી વાતો કરી વીસીના નામે અલગ અલગ સ્કીમો બતાવી હતી. બાદમાં વોટ્સઅપ મારફતે ગ્રુપ બનાવી 25થી વધુ લોકોને જોડ્યા હતા. ત્યારબાદ તમામને અલગ અલગ સ્કીમો બતાવી તેમની પાસેથી લાખ્ખો રૂપિયા પડાવ્યા હતા. જોકે બાદમાં પૈસા પરત નહીં આપી હાથ ઊંચા કરી લઇ ઠગાઈ કરી હતી. જેથી આખરે મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હાલ તો એક વ્યક્તિની ફરિયાદ લઇ 12.60 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

પાંચ લાખથી 30 લાખ સુધીની રકમ પડાવી લીધી
પર્વત પાટિયા જય જલારામ નગરમાં રહેતા કાંતિભાઈ રામસુરત ગુપ્તાએ ગોડાદરા ડિંડોલી વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખ મહાવીર સુખલાલ શાહ (રહે. સી/5 સાલાસર રેસીડેન્સી ગોડાદરા) સામે 12.60ની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોભામણી લાલચ આપી હતી. બાદમાં 25થી વધુ લોકોને મહાવીરે વોટ્સઅપ એપ્લિકેશન મારફતે ગ્રુપ બનાવી સાથે જોડ્યા હતા અને અલગ અલગ સ્કીમો બતાવી લાખ્ખો રૂપિયા લઇ ડ્રો કરતો હતો. આ દરમિયાન 25થી વધુ લોકો પાસેથી પાંચ લાખથી માંડી 30 લાખ સુધીની માતબર રકમ પડાવી લીધી હતી. જેમાં કાંતિભાઈ પાસે પણ 16 લાખ લઇ લીધા હતા. જોકે તે 16 લાખ પૈકી મનોહર સંતોષ પાટીલ મારફતે 3,40,000 પરત આપી દીધા હતા. જ્યારે બાકી ના રૂપિયા ને લઈ હજી કોઈ વાત ન કરતા આખરે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવાનો વારો આવ્યો છે.

ભાજપના નેતાઓ સાથેના ફોટો સો. મીડિયામાં મૂકતો
મહાવીર વોર્ડનો ઉપપ્રમુખ હોવાના કારણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ગૃહરાજ્ય મંત્રી, ધારાસભ્યો, સુરતના મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસક પક્ષ નેતા, શહેર ભાજપ ઉપપ્રમુખ, આ સિવાય ભાજપના અગ્રણી નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકી મોટી વગ હોવાનું લોકોને જણાવતો હતો. જોકે બાદમાં શેરી મહોલ્લામાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં પણ તે શહેરના ભાજપના નેતાઓને બોલાવી લોકોમાં પોતાનો રોફ જમાવતો હતો. વોર્ડ નંબર 26ના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહે લોકોમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવા અને રોફ જમાવવામાં કોઈ કચાસ રાખી ન હતી.

સુરતના મેયર સાથેના ફોટો પણ સોશિયલ મીડિયામાં મૂક્યા છે.
સુરતના મેયર સાથેના ફોટો પણ સોશિયલ મીડિયામાં મૂક્યા છે.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ શાસક પક્ષ નેતા
શહેરના શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે આ મામલે જણાવ્યું હતું કે મહાવીર સામે પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે તો તેની સામે જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે. મહાવીર સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હોવાનું વાતથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે આ બનાવમાં તેઓએ કહ્યું હતું કે લોકો સાથે કરોડોની ઠગાઈ કરી છે તો આ મામલે પાર્ટી તેની સામે ચોક્કસથી કડક પગલાં લેશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયામાં પોલીસ સાથેની તસવીરો પણ મૂકી છે.
સોશિયલ મીડિયામાં પોલીસ સાથેની તસવીરો પણ મૂકી છે.

વીસીના નામે બે કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની શક્યતા
હાલ પુણા પોલીસે માત્ર એક જ વ્યક્તિની ફરિયાદ નોંધી છે. પરંતુ હજુ આ કિસ્સામાં હિમ્મત રોશનલાલ શાહ, પીન્ટુભાઇ, મહેન્દ્રભાઈ, માતાજી મેડિકલ, મહેન્દ્રભાઈ, જીવનધારા મેડિકલ, માલારામ, જયંતીભાઈ, રમેશભાઈ જોશી અને રાજુભાઈ ફિલ્ટરવાળા સહિતના લાખ્ખો રૂપિયા ફસાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એક અંદાજ મુજબ મહાવીર શાહે વીસીના નામે બે કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેમાં અલગ અલગ વેપારીના પાંચ લાખથી માંડી ૩૦ લાખ સુધીની રકમ છે.