આકરા પ્રહાર:સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, નેતૃત્વવિહીન પાર્ટી દિશા ભટકી ગઈ છે

સુરત2 મહિનો પહેલા
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘે સુરતના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરી.
  • ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘ સુરતની મુલાકાતે

સુરતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘે સુરતના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે સીધા કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટનના પાકિસ્તાન સાથેના સુવાળા સંબંધો નવજોત સિદ્ધુના છે એ નિવેદનને ટાંક્યું હતું અને નેતૃત્વવિહીન પાર્ટી દિશા ભટકી ગઈ હોવાનું જણાવ્યું હતું.

ભાજપના દબાણના કારણે દલિત મુખ્યમંત્રીની પસંદગી
તરુણ ચુઘે જણાવ્યું હતું કે, જે પાર્ટી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી ન કરી શકી હોય તે પાર્ટીની દશા શું હોઈ શકે તે આપણે સૌ સમજી શકે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કેટલી આગળ વધી છે તે સૌ કોઈ જાણે છે. અત્યારે હાલ જે દલિત મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે તે પણ ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે થયું છે. વર્ષો સુધી તેમને દલિતો યાદ ન આવ્યા અને હવે તેઓ દલિતોના મસીહા બનવા માટે નવા મુખ્યમંત્રીની પસંદગી કરી છે. દલિતને સ્થાન આપવામાં આવે તેવી માગણી સૌથી પહેલા મે કરી હતી. સાત દાયકાઓ પછી કોંગ્રેસને દલિત પ્રેમ દેખાઈ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી.
વિધાનસભાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી.

બદલાયેલા મુખ્યમંત્રીઓ અંગે પક્ષનો બચાવ કર્યો
રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગજીએ પંજાબમાં બદલાયેલા મુખ્યમંત્રી અંગે તો ઘણી મોટી મોટી વાતો કરી પરંતુ જ્યારે તેમને ભારતીય જનતા પાર્ટીના શાસિત રાજ્યોની અંદર બદલાયેલા મુખ્યમંત્રી વિષે વાત કરી તો તેઓએ ખૂબ જ ચતુરાઇથી પોતાના પક્ષનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે આગામી કામ કરવા માટે બીજા મુખ્યમંત્રીની પસંદગી કરી છે એ પ્રકારનો પોતાનો બચાવ કરતા હોય તેવો જવાબ આપ્યો હતો.