સુરત બાળકી અપહરણ-હત્યા કેસ:સ્થળ પર પહોંચેલા ભાજપના MLAનો મહિલાએ ઉધડો લીધો, કહ્યું- દારૂ પીને છેડતીઓ થાય છે, દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર કરો

સુરતએક મહિનો પહેલા
  • મહિલાએ કહ્યું- દારૂ પી આ રસ્તે આવે છે અને મહિલાઓના ગાલને સ્પર્શ કરીને છેડતી કરે છે

સુરતમાં પુણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીની અપહરણ બાદ હત્યાની ઘટના બાદ સ્થળની મુલાકાત લેવા ગયેલા ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાનો મહિલાએ ઉધડો લીધો હતો. મહિલાએ કહ્યું કે, આવા લોકોને જેલમાં નાખવાના બદલે સીધા એન્કાઉન્ટર કરો...અહીં દારૂ પીને અમારી છેડતી કરવામાં આવે છે. બહેન દીકરીઓ સુરક્ષિત નથી.

લોકોના રોષનો સામનો કરવો પડ્યો
સુરતના પુણાગામ વિસ્તારમાં ભૈયા નગર ખાતે પાંચ વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરી હત્યા કરી નાંખી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પોતાના વિધાનસભા મતવિસ્તારમાં ઘટના બનતા સ્થળ તપાસ કરવા માટે ગયેલા સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. વિજય ઝાલાવાડીયા નો સ્થાનિક લોકોએ રીતસરનો ઉધડો લઇ લીધો હતો. મહિલાઓએ સીધો જ વેધક સવાલ ધારાસભ્યને પૂછ્યો કે અહીં મહિલાઓ સુરક્ષિત કેમ નથી. સતત તેમની છેડતી થાય છે. લોકો દારૂ પીને આ રસ્તે આવે છે અને મહિલાઓના ગાલને સ્પર્શ કરીને છેડતી કરે છે.

ધારાસભ્યે ઝડપથી નીકળવાનું મુનાસીબ માન્યું
ધારાસભ્ય વિધિ ઝાલાવાડીયા ને મહિલાએ સ્પષ્ટ કહ્યું કે આવા લોકોને જેલમાં ધકેલીને તમે તમારી ફરજ પુરી કરી દો છો પરંતુ ખરેખર આવા માનસિકતાના લોકોના સીધા એન્કાઉન્ટર કરવા જોઈએ. આ વિસ્તારમાં છેડતીની ઘટનાને કેમ રોકવામાં આવતી નથી. ધારાસભ્યની ચારે તરફ લોકોએ પ્રશ્નો પૂછવાના શરૂ કરી દીધા હતા. ધારાસભ્ય સ્થિતિ પારખી જતાં ત્યાંથી ઝડપથી નીકળવાનું મુનાસીબ માન્યું હતું.

મહિલાના વેધક સવાલથી ધારાસભ્યે નીકળી જવું પડ્યું.
મહિલાના વેધક સવાલથી ધારાસભ્યે નીકળી જવું પડ્યું.

મહિલાઓ ઘણી વખત પોતે કાંઇ બોલી પણ શકતી નથી
ભૈયા નગર આસપાસ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિકો દ્વારા ધારાસભ્ય અને જાહેરમાં જ સવાલો પૂછવાની શરૂઆત કરી દીધી હતી. મહત્વની બાબત એ છે કે મહિલાએ સ્પષ્ટ રીતે કહ્યું કે અસામાજીકતત્વો વિસ્તારની મહિલાઓ જ્યારે રોડ પર ચાલતી નીકળે છે ત્યારે તેની છેડતી કરે છે. દારૂ પીધેલી હાલતમાં તેઓ પસાર થતી મહિલાઓના ગાલ ઉપર હાથ મૂકીને પસાર થઇ જાય છે. મહિલાઓ ઘણી વખત પોતે કાંઇ બોલી પણ શકતી નથી. નાની દીકરીઓ અને મહિલાઓ કેમ સુરક્ષિત નથી એ પ્રકારના સવાલો ધારાસભ્યને પૂછ્યા હતા.

મહિલાએ પુણા વિસ્તારમાં અસામાજીકતત્વો અંગે સવાલો ઉઠાવ્યા.
મહિલાએ પુણા વિસ્તારમાં અસામાજીકતત્વો અંગે સવાલો ઉઠાવ્યા.

ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાને દિવ્ય ભાસ્કર દ્વારા આજની ઘટના વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

દિવ્યભાસ્કર: ઘટના સ્થળની મુલાકાતે ગયા હતા?
ધારાસભ્યઃ હા, ઘટનાસ્થળની આજે મુલાકાત લેવા ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઝડપથી તેને સજા થાય તે દિશામાં કામગીરી થશે. ચાર્જશીટ પણ ઝડપથી રજૂ થઈ જાય એ પ્રકારની મેં વાત કરી છે.

દિવ્યભાસ્કર: સ્થાનિક મહિલાઓએ તમને કોઈ રજૂઆત કરી છે?
ધારાસભ્ય: સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે અહીં લોકો દારૂ પીતા હોય છે. એટલે મેં લોકોને સલાહ આપી છે કે આ જેટલો પાર્કિંગ વિસ્તાર છે એ પાર્કિંગમાં સીસીટીવી કેમેરા લગાડી દો. જેથી કરીને લોકોની અવરજવર વિશે પણ ધ્યાન રહે અને વોચમેનની નજર તમામ જગ્યાઓ પર નથી હોતી એટલે સીસીટીવી લગાડવા જરૂરી છે એટલે મુશ્કેલીનો ઉકેલ આવી શકે. અહીં હિન્દી ભાષી લોકો મોટી સંખ્યામાં રહે છે અને તમને તો ખબર જ છે કે એ લોકો વ્યસની હોય છે.

દિવ્ય ભાસ્કર: અહીં દારૂના અડ્ડા ચાલે છે એવી કોઈ તમને ફરિયાદ મળી છે?
ધારાસભ્ય: આ વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે એવી મને કોઈ આજદિન સુધી ફરિયાદ મળી નથી. એમને કીધું છે કે જો તમારા ધ્યાન પર એવી કોઈ બાબત આવે તો મને કહેજો હું તાત્કાલીક અસરથી પગલા લઈશ.