રજૂઆત:નવા એકમો માટે વીજ સબસીડીની જાહેરાતનો બે વર્ષે પણ અમલ નહીં

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરની ગાંધીનગરમાં ઉદ્યોગ કમિશનરને રૂબરૂ રજૂઆત
  • ટેક્સટાઈલ પોલીસીમાં ઉદ્યોગને 40 % કેપિટલ સબસિડીની માંગ

ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના પ્રમુખ દિનેશ નાવડિયા સહિતના આગેવાનોએ ગાંધીનગર સ્થિત ઉદ્યોગ કમિશનર ડો.રાહુલ ગુપ્તાની મુલાકાત કરી ઉદ્યોગકારોને નડતરરૂપ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી છે. ચેમ્બર તરફથી રજૂઆત કરાઈ હતી કે, 10મી જાન્યુઆરી 2019ના રોજ સરકારની ટેક્સટાઈલ પોલીસી જાહેર થઈ હતી. જેમાં નવા સ્થપાયેલા એકમોને એલટી અને એચટી પાવર કનેકશન પર અનુક્રમે રૂ.2 અને 3ની સબસિડી જાહેર કરાઈ હતી. આ વાતને 2 વર્ષ પૂર્ણ થવાને આરે છે પણ ઉદ્યોગકારો આ પોલીસીનો લાભ કઈ રીતે મેળવી શકે તેની ગાઈડલાઈન જાહેર કરાઈ નથી.

આ સાથે ટેક્સઇલ પોલિસી અંતર્ગત ઇન્ટરેસ્ટ અને પાવર સબસિડી આ બંને લાભો મેળવવા એપ્લિકેશન સેન્શન અને ડિસ્બર્સમેન્ટ મોડયુલ જે હાલમાં એક જ છે તેને અલગ કરવા અનુરોધ કરાયો હતો, જેથી કરીને જે ઉદ્યોગકારો પાવર સબસિડી મેળવવા નહીં ઈચ્છતાં હોઈ તેઓ ઈન્ટરેસ્ટ સબસિડી મેળવી શકે. વધુમાં, મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણા રાજ્ય સરકારની ટેક્સટાઇલ પોલિસી ગુજરાત કરતા વધારે આકર્ષક હોઇ તે અંગે રાજ્યની પોલીસીમાં કેપીટલ સબસિડી 40 ટકા સુધી મળવી જોઇએ તેવી રજૂઆત કરી હતી. ટેક્સઇલ એકમોને ટેક્સટાઇલ પોલિસી 2019 સિવાય રાજ્ય સરકારની બીજી કોઇ પોલિસીનો લાભ નહીં મળે તેવી જોગવાઇ છે તેને દુર કરવા પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

‘દ.ગુ.ને ટેક્સટાઈલ પાર્કની પોલીસીનો લાભ મળે તે માટે 3 વર્ષની મર્યાદા વધારો’
રાજ્યમાં ટેક્સટાઇલ પોલીસી 2012 અંતર્ગત ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની જોગવાઇ હતી. આ પોલિસી 3 સપ્ટેમ્બર 2018 સુધી લંબાવાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં વર્ષ 2014માં ઘણા નવા ટેક્સટાલ પાર્ક સ્થાપવા મંજૂરી અપાઈ હતી અને તેઓએ સપ્ટેમ્બર 2018 સુધી પોતાનું સંપૂર્ણ કામ પતાવી દેવાની જોગવાઈ હતી પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયા તથા કાયદાકીય પ્રક્રિયામાં વિલંબ થતા આવા પાર્કની કામગીરી પૂર્ણ કરવા સમયમર્યાદા વધારવા રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...