ચોકબજાર હેરીટેજ સ્ક્વેર પ્રોજેક્ટના ભાગરૂપે ઐતિહાસિક એન્ડ્રુઝ લાઈબ્રેરીને ડેવલપ કરવા માટેની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઇ હતી. લાયબ્રેરીના એલિવેશન પર લગાવાયેલા હોર્ડિંગ્સ કાયમી ધોરણે દૂર કરવા તેમજ મિલકતના નિભાવ ખર્ચમાં સહયોગ આપવા માટે નીતિ બનાવવા પર ચર્ચા કરી નિર્ણય લેવાશે.
ચોકબજાર કિલ્લા સામે આવેલી અને આઝાદી માટે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સભાઓ કરી હતી તે એન્ડ્રુઝ લાઇબ્રેરીના એલિવેશનને ચોકબજાર હેરીટેજ સ્ક્વેર પ્રોજેક્ટના ભાગરૂપે ડેવલપ કરવાની તૈયારી દર્શાવાઇ છે. ચોકબજારમાં હાલ સુરત મેટ્રો સ્ટેશનના ભૂગર્ભ રૂટના નિર્માણ માટેનું કાર્ય પ્રગતિમાં છે. વિવિધ રંગઉપવન, ગાંધી બાગ, સ્ટેટ બેંક સહિત વિવિધ ઇમારતો પર મેટ્રો પ્રોજેક્ટ નિર્માણની આંશિક અસર વર્તાઇ રહી છે ત્યાં ઐતિહાસિક એન્ડ્રુઝ લાઇબ્રેરી મિલકત પણ અસરમાં આવતી હોવાની અટકળો વહેતી થઇ હતી.
જોકે આ રૂટમાં સુધારાના પગલે એન્ડ્રુઝ લાઇબ્રેરી ચોકબજાર હેરીટેજ સ્કવેર પ્રોજેક્ટમાં જ સામેલ રહે તેવું નક્કી થયું છે. પાલિકાએ પણ ઇતિહાસની સાક્ષી રહેલી લાઇબ્રેરીની મિલકત પર લાગતા જાહેરાતના હોર્ડિંગ્સ બોર્ડ કાયમીપણે દૂર કરવા નક્કી કર્યું છે. પાલિકાએ લાઇબ્રેરી હોર્ડિંગ્સ દૂર કરવાથી ટ્રસ્ટની આવક બંધ થતી હોય તેના અવેજમાં લાઇબ્રેરીના નિભાવ ખર્ચને પહોંચી વળવા ટ્રસ્ટને અનુદાન આપવાનું પણ નક્કી કર્યું છે. જે અંગે કેટલીક નીતિઓ નક્કી કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરાઇ છે. આ મુદ્દે ગુરૂવારે આખરી નિર્ણય સ્ટેન્ડિંગની બેઠકમાં લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.