તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કમ મનોબળ:સુરતમાં 82 વર્ષના દાદી મહિનામાં બે વાર કોરોના સંક્રમિત થયા, બંનેવાર ઘરે જ સાજા થયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
82 વર્ષના દાદી બે મહિના જેટલો સમય અલગ રૂમમાં રહ્યા. - Divya Bhaskar
82 વર્ષના દાદી બે મહિના જેટલો સમય અલગ રૂમમાં રહ્યા.
  • વરાછા વિસ્તારના દાદીએ ઉપરાઉપરી બે વખત કોરોનાને હરાવ્યો
  • માર્ચમાં કોરોનામાંથી સાજા થયા બાદ ફરી એપ્રિલમાં કોરોના થયો
  • માર્ચ અને એપ્રિલમાં ઘરે રહીને દવા લઇ કોરોના સ્વસ્થ થઇ ગયા

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 82 વર્ષના એક દાદી એક માસમાં બે વખત કોરોના થયો પણ પોતાના શરીરની તંદુરસ્તી અને દ્રઢ આત્મવિશ્વાસને બળે ઘરે જ કોરોનાને હરાવી ફરી સ્વસ્થ થઇ ગયા છે. નિયમિત આહાર અને ઢળતી ઉંમરે પણ ચાલવા જવાની આદતને પરિણામે તંદુરસ્તી બરકરાર રાખનાર આ દાદીની આ વાત અનેક કોરોનાગ્રસ્ત લોકોને મનોબળ પૂરૂ પાડે એવી છે.

દાદી પહેલીવાર 18 દિવસમાં સ્વસ્થ થયા
મૂળ પાલિતાણા તાલુકાના સગાપરા ગામના વતની અને હાલમાં પોતાના પૌત્રો સાથે વરાછા વિસ્તારની શિવધારા સોસાયટીમાં રહેતા 82 વર્ષીય રાધાબેન ગગજીભાઇ ભિકડિયા નામના વૃદ્ધાને 24મી માર્ચના રોજ તાવ આવવો, શરદી ખાંસીની ફરિયાદ બાદ શરીરમાં અતિઅશક્તિ આવી ગઇ હતી. સ્થિતિ એવી હતી કે, તેમના પૌત્રો નિલેશ અને રાહુલ તેમના દાદી રાધાબેનને ઝોળીમાં નાંખી ખાનગી તબીબને ત્યાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં સીટી સ્કેન સહિતનો રિપોર્ટ કરાવવામાં આવતા કોરોના હોવાનું માલૂમ પડ્યું હતું. કોરોનાની ફેફસાંમાં 15 ટકા અસર થઇ ચૂકી હતી. જોકે, રાધાબહેનને હોસ્પિટલની દવા સાથે ઘરમાં જ સારવાર લેવાનું મુનાસીબ માન્યું હતું. કારણ કે, આટલી મોટી ઉંમરના દર્દીને ઘરના વાતાવરણમાં સારી રિક્વરી આવશે, તેમ ઇચ્છી નિલેશભાઇએ પોતાના દાદીને ઘરે જ રાખીને સારવાર શરૂ કરી હતી. ઓક્સિજન સપ્લાય સાથે પૌષ્ટિક આહાર અને દવાના સેવન થકી રાધાબેન 18 દિવસમાં સ્વસ્થ થઇ ગયા હતા.

82 વર્ષની ઉંમર હોવા છતાં રાધાબેન શરીરે ખડેધડે છે
82 વર્ષની ઉંમર હોવા છતાં રાધાબેન શરીરે ખડેધડે છે

દાદી બીજીવાર 20 દિવસે સ્વસ્થ થયા
દાદી સ્વસ્થ થયાના થોડા દિવસમાં પુત્ર ગણેશભાઇને પણ કોરોના થયો અને સાથે તેમને પોસ્ટ કોરોના ઇફેક્ટ થઇ હતી. 17મી એપ્રિલે રાધાબેનને શરીરમાં કોન્ટીપેંશન અને ન્યુમોનિયાની અસર થઇ તપાસ કરાવતા કોરોનાના માઇલ્ડ લક્ષણ જણાયા હતા. જેથી તેમના પૌત્રોએ ફરી સારવાર કરાવી હતી. ખાનગી તબીબની દવા લઇ ઘરે જ રાખ્યા હતા. નિયમિત દવાના સેવન, શ્વાસોશ્વાસની પ્રક્રીયા પર સતત દેખરેખને પરિણામે રાધાબેન ફરી સાજા થઇ ગયા હતા. આ અઢી માસ જેટલા સમયગાળા દરમિયાન રાધાબેનને એક અલાયદા રૂમમાં જ રાખવામાં આવ્યા હતા. નિયમિત દવાઓ, ઉકાળાના સેવનથી આજે તા.7મી મેના રોજ રાધાબહેને કોરોનાને માત આપી હતી. હવે તબીબોએ તેમને બીજા રૂમમાં જવાની છૂટ આપી છે.

કોરોના થયો એ પૂર્વે નિયમિત રીતે ચાલવા જવાની આદત ધરાવતા હતા.
કોરોના થયો એ પૂર્વે નિયમિત રીતે ચાલવા જવાની આદત ધરાવતા હતા.

એક માસમાં બે વખત કોરોનાને પરાસ્ત કર્યો
82 વર્ષની ઉંમર હોવા છતાં રાધાબેન શરીરે ખડેધડે છે. તેમના પરિવારમાં 16 વ્યક્તિઓ છે. કોરોના થયો એ પૂર્વે નિયમિત રીતે ચાલવા જવાની આદત ધરાવતા હતા. વોકિંગ એમની જીવનશૈલીનો એક ભાગ છે. જમવામાં પણ બહુ ચુસ્ત છે. ત્રણ ટાઇમ સમયસર આહાર લઇ લે છે. સવારમાં દૂધ રોટલી, બપોરે દાળભાત અને શાક રોટલી, સાંજે દૂધ રોટલો, આ તેમનો આહાર છે. નિયમિત અને પૌષ્ટિક આહારને કારણે રાધાબેનની તંદુરસ્તી બરકરાર રહી અને તેના થકી જ એક માસમાં બે વખત કોરોનાને પરાસ્ત કર્યો છે. યુવાની કાળ ગામડામાં ખેતીકામ જેવા અથાગ મહેનત અને પરિશ્રમના પ્રતાપે આજે મોટી ઉંમરે પણ રાધાબહેને કોરોનાને માત આપી છે.