પાલિકા સંચાલિત મસ્કતિ હોસ્પિટલમાં સોનોગ્રાફી સુવિધા ન હોવાથી દર્દીઓને ખાનગી લેબ કે સિવિલ-સ્મીમેર સુધી જવાની નોબત પડી રહી છે. 65 વર્ષ જુની આ હોસ્પિટલનું 1986માં એક્સ્પાન્શન કરાયું હતું. આ હોસ્પિટલમાં હાલમાં દૈનિક 110થી વધુ દર્દીઓને ઓપીડી સહિતની સારવાર પુરી પાડવામાં આવે છે. જો કે, સોનોગ્રાફીની સુવિધાના ્ભાવે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં જ ગોલવાડ રહેતા અને વેન્ટિલેટર પર સારવાર મેળવી રહેલાં અમૃત રાણાને ઓપરેશન પહેલાં સોનોગ્રાફી કરાવવા સૂચના અપાઇ હતી.
જોકે વેન્ટિ એમ્બ્યુલન્સ ન મળતાં પરિવારને સ્વજોખમે બહારથી સોનોગ્રાફી કરાવી લેવા કહી દેવાયું હતું. સિવિલ જતી વેળાએ તેમનું એપેન્ડિસ ફાટી ગયું હતું. જોકે સિવિલમાં જ બાકીની સારવાર શરૂ થઇ જતાં જીવ બચ્યો હતો. હોસ્પિટલમાં 518ના મહેકમ સામે તબીબો-પેરા મેડિકલ સ્ટાફ સહિત 339 કર્મીઓ છે. 160 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં 1 રેડિયોલોજીસ્ટ છે પણ સોનોગ્રાફીની સુવિધા નથી.
દરેક વોર્ડમાં 50 બેડની હોસ્પિટલ શરૂ કરવાનો પ્લાન
કોરોના કાળમાં પ્રત્યેક દર્દીને ઓક્સિજન બેડની જરૂરિયાત હોય છે તેનો ખ્યાલ આવી ગયો હતો. પાલિકાએ આ શીખથી દરેક વોર્ડમાં 50 બેડની હોસ્પિટલ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. જોકે હાલની કાર્યરત હોસ્પિટલોને સુવિધાજનક બનાવવામાં બેદકારી સેવાઈ રહી છે. મસ્કતિ હોસ્પિટલમાં ઇકો કાર્ડિયોગ્રામ અને સોનોગ્રાફીની સુવિધા જ ઉપલબદ્ધ નથી.
દરખાસ્ત પણ સ્થગીત કરાઈ
મસ્કતિમાં ઇકો કાર્ડિયાક-સોનોગ્રાફી મશીનની તાતી જરૂરિયાત હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. બેઠકમાં મશીન ખરીદવા દરખાસ્ત મુકી હતી જે ફગાવી દેવાઇ હતી. - રચના હીરપરા, સભ્ય, હોસ્પિટલ સમિતિ, પાલિકા
DKMનો વિકલ્પ ફરી શરૂ કરાશે
ગાયનેક વોર્ડ ન હોવાથી સોનોગ્રાફી મશીન લેવાયું નથી. ડીકેએમનો વિકલ્પ છે, જે ફરી શરૂ કરાશે. મસ્કતિમાં યુનિટ વધારવાના હતા પણ બિલ્ડિંગ બિસમાર જણાતા કામ અટક્યું છે. - ડો. પ્રદીપ ઉમરીગર, મેડિકલ ઓફિસર, પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.