કતારગામ અને ભેસ્તાનમાં રૂમનો દરવાજો બંધ થઈ જતાં બાળકો અંદર ફસાઈ ગયા હતા. પરિવારના સભ્યોએ ખૂબ પ્રયત્નો કરવા છતાં દરવાજો ન ખુલતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ટીમે આવીને બાળકોને બહાર કાઢ્યા હતા.
કતારગામ પ્રભુ નગર વિભાગના બે બ્લોક નં. 59ના બીજા માળે રહેતા ભૈરવભાઈ અને તેમના પત્ની કામ અર્થે બહાર ગયા હતા. તેઓ 1 વર્ષના પુત્ર મોહિત અને 7 મહિનાના ચિરાગને ઘરે મુકી ગયા હતા. ઘરે પરત આવ્યા બાદ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. બાળકો રૂમમાં હતા. ઘણા પ્રયત્નો બાદ પણ દરવાજો ન ખૂલતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સવારે 11:02 કલાકે માહિતી મળતા કતારગામના ફાયર ઓફિસર દિનુ પટેલ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો તોડી બંને બાળકોને બહાર કાઢ્યા હતા.
ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું કે, બાળકે અંદરથી દરવાજો બંધ કરી દીધો, જે ખુલી શક્યો ન હતો. માતા-પિતા ઘરે પરત ફર્યા તો દરવાજો બંધ હતો. તેઓએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો પરંતુ અસફળ રહ્યા હતા. અંદરથી બાળકો ચીસો પાડી રહ્યા હતા. ફાયરે હેલિગનની મદદથી દરવાજો તોડી બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અન્ય બનાવમાં ભેસ્તાનના પ્રગતિ નગરમાં ઘર નં-14માં રૂમમાં ફસાયેલી 5 વર્ષની બાળકીથી દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો. દરવાજો ન ખૂલતાં વાલીએ ફાયર સ્ટેશનને જાણ કરતાં દરવાજો તોડીને બાળકીને બહાર કાઢી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.