હત્યા, અપહરણ, લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીને બે દિવસ પહેલાં સુરત ક્રાઇમ બાંચે ઝડપી પાડ્યા હતા. આરોપી અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપૂત(ઉં.વ.26) તથા જગદીશ ઉર્ફે જે.કે. ઉર્ફે જેડી તારાજી લોહાર(ઉં.વ.27) પાસેથી સોનાનાં ઘરેણાં રૂ.12 લાખ, રોકડ 4.15 લાખ, 7 મોબાઇલ 47 હજાર, ડોંગલ અને બેગ સહિત 16.64 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી અમરસિંહે જણાવ્યું હતું કે ગામમાં મોટા ભાગના લોકો ચોરી-લૂંટ કરે છે, જેથી મને 16 વર્ષની ઉંમરે થયું કે હું પણ ચોરી કરું, પછી 16 વર્ષની ઉંમરે જ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં 10 વર્ષમાં 37 ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.
બેંગ્લુરુ, રાજસ્થાનનો ગુનો ઉકેલાયો
એક માસ પહેલાં મહિધરપુરાની હદમાં આ ટોળકીએ સહયોગ સોસાયટીમાંથી 90 હજારની ચોરી કરી હતી. અગાઉ ભેરારામ ઉર્ફે ભરત મેઘવાડ પકડાયો હતો. ત્યાર બાદ ટોળકીએ બેંગ્લુરુમાં ઝવેરાતની દુકાનમાંથી 1 કિલો સોનુ અને રોકડની ચોરી હતી. રાજસ્થાનમાં પણ 2019માં ચોરી કરી હતી. બંને ચોર પકડાતાં બેંગ્લોર, રાજસ્થાનના ગુનો ઉકેલાયા હતા. અમર ચોરીના કેસમાં અને જગદીશ ચોરી તેમજ આર્મ્સ એકટના ગુનામાં નાસતા ફરતા હતા.
ચોરી-લૂંટફાટ, હત્યા, અપહરણ જેવા ગંભીર ગુનાઓ કર્યા
નામ અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપૂત, ઉં.વ. 26, કામ-ચોરી-લૂંટફાટ, હત્યા, અપહરણ જેવા ગંભીર ગુનાઓ કરવાનું, રહેવાસી સરસપુર, અમદાવાદ અને મૂળ રહેવાસી રાજસ્થાન સિરોહીના જાવાલ ગામનો. આ રીઢા ચોરે વર્ષ 2010માં 16 વર્ષની ઉંમરે કોટડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી કરવાની શરૂઆત કરી હતી.
રાજસ્થાન,અમદાવાદ, સુરત અને બેંગ્લુરુમાં ગુનાઓ કર્યા
પોલીસના હાથે પકડાયો ત્યારે તેણે કહ્યું હતું કે હું જે ગામમાં રહું છું તે ગામમાં મોટે ભાગના લોકો ચોરી-લૂંટ કરે છે, જેથી મને 16 વર્ષની ઉંમરે થયું કે હું પણ ચોરી કરું, પછી પહેલી ચોરી, બીજી ચોરી આમ કરતાં કરતાં અત્યારે 26 વર્ષની ઉમરે રાજસ્થાન,અમદાવાદ,સુરત અને બેંગ્લુરુમાં 37 ગંભીર ગુનાને અંજામ આપ્યો છે, જેમાં 30 ગુના ચોરી અને લૂંટના છે. ઉપરાંત અમદાવાદ તેમજ રાજસ્થાનમાં તે લૂંટ અને મર્ડરના ગુનામાં તદુપરાંત વિશાખાપટ્ટનમ ખાતે અપહરણના ગુનામાં પકડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.