1995ના વર્ષમાં વરાછામાં 12 હજાર રૂપિયાની કિંમતની ટીવી અને વીસીઆરની કેસેટ લઇને ભાગી જઇ છેતરપિંડી કરીને ભાવનગરમાં સાધુ બનીને મંદિરમાં રહેતાં આરોપીને ક્રાઈમ બ્રાંચે 26 વર્ષ બાદ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે લુંગીવાલાની ચાલમાં રહેતા મનજીભાઈ પુરુષોત્તમ પટેલ ભાડેથી ટીવી,વીસીઆર, કેસેટો ભાડેથી આપવાનું કામ કરતા હતા. તેમના ત્યાં આરોપી ભોળાભાઈ ઉર્ફ ભાવેશગીરી નાથાભાઈ પટેલ (મૂળ રહે.વીરડી ગામ,ગારિયાધાર,જિલ્લો ભાવનગર) ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.
19 ઓગસ્ટ 1995માં ભોળાભાઈ ટીવી અને ત્રણ કેસેટો લઈને નાસી ગયો હતો. તેની કિંમત 12 હજાર રૂપિયા હતી. તે સમયે વરાછા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી તે નાસતો ફરતો હતો. ભોળા પટેલે છેતરપિંડી કર્યા બાદ સુરત છોડી દીધું હતું. આરોપી ભાવનગરના આસપાસના વિસ્તારમાં રહેતો હતો. તે સમયે તેને પોલીસ શોધવા આવતી હતી.
આરોપીએ પોતાનું નામ ભોળાભાઈથી ભાવેશગીરી કરી નાખીને સાધુનંુ જીવન જીવવા લાગ્યો હતો. તે મંદિરોમાં અને આશ્રમોમાં રહેતો હતો. વર્ષમાં એકાદ વખત વતન જતો હતો. તે વતન આવવાનો છે એવી ચોક્કસ બાતમી મળતા પોલીસે તેને ભાવનગરથી ઝડપી પાડ્યો હતો. ચોરી કરી ત્યારે તેની ઉંમર 24 વર્ષ હતી અને હાલમાં તેની ઉંમર 50 વર્ષ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.