કોરોનાના કપરા કાળમાં પાલિકાએ કઢી-ખીચડી ખવડાવ્યાંના ખર્ચ પેટે કરોડોના બિલ રજૂ કર્યાં હતાં. કલસ્ટર ઝોનમાં પતરાંની આડશ મુકવા અને કોરોના ટેસ્ટિંગ માટે મંડપના ભાડા પેટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ મુદ્દે ભારે વિવાદ પણ થયો હતો, ત્યારે પાલિકાએ ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ખરીદેલી લાખોની મેડિસીન અને ઇન્જેક્શન વપરાય તે પહેલાં જ ત્રીજી કોરોના લહેર પુરી થતા તે સ્ટોક ક્યાં છે? તે જાણવા દિવ્ય ભાસ્કર એ સ્મીમેર હોસ્પિટલના તાળાબંધી કરાયેલા સ્ટોર રૂમ સુધી જવાનો પ્રયાસ કર્યો હતો.
પાલિકાએ સ્મીમેરના મલ્ટિલેવલ પાર્કિંગમાં 200 બેડ સાથે ઊભા કરેલા કોવિડ સેન્ટરના જ બંધ ઓરડાઓમાં વિવિધ મેડિસીન તેમજ સ્ટીરોઇડ ઇન્જેક્શનના કાર્ટૂન ધુળ ખાતા મળી આવ્યાં હતાં. જેમાં મેડનેસોલ ઇન્જેક્શનના 13થી 16 હજાર ઇન્જેક્શન, એન્ટિ બેક્ટેરિયલ મેડિસીન, સર્જીકલ આઇટમો તેમજ પેક્ડ ગ્લોવ્ઝ સહિત અંદાજે 22 લાખ રૂપિયાનો જથ્થો જોવા મળ્યો હતો.ે
સરકારમાંથી આવેલી દવાનો જથ્થો પણ વપરાયા વગર પડી રહ્યો
કોરોનાનેે ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા પણ કેટલીક દવા મોકલવામાં આવી હતી. જે થર્ડ વેવમાં ઉપયોગમાં ન લેવાઇ હોવાથી વિના વપરાશે જ પડી રહી હોવાનું સ્ટાફે જણાવ્યું હતું. આ અંગે RMO ડો. દિનેશ કોન્ટ્રાક્ટર દોડી આવ્યાં હતાં. તેમણે સ્ટાફને ઓડિટ સાથે એક્સ્પાયર થતી દવાઓની યાદી રજુ કરવા સુચના આપી હતી.
118 રૂ.ના પ્રતિ ઇન્જેક્શનના 16 હજાર પેકેટ પણ એક્સ્પાયર
કોવિડ સેન્ટરમાં મળી આવેલા મેડનોસોલ Methylprednisolone Acetate ઇન્જેક્શન અંગે ઇન્ચાર્જ સ્ટાફે પ્રતિ 118 રૂપિયાની MRP સાથેના આવાં 13થી 16 હજાર પેક સ્ટોકમાં હોવાનું જણાવ્યું હતું. તે વપરાયા વગર જ એક્સ્પાયર થઇ ગયા હતા.
દવાના જથ્થા સામે દર્દીઓ ઓછા હોવાથી ઉપયોગ ન થયો
ડો.સમીર ગામીના જણાવ્યા મુજબ સ્મીમેરમાં એક્સપાયર થયેલા મેડનેસોલ ઇન્જેક્શન કોવિડ સિવાય અસ્થમા માટે ઉપયોગમાં લઇ શકાય પરંતુ જથ્થાની સામે એટલા દર્દી નથી.
ધ્યાન દોરવા છતાં સંતાડેલી દવા ઉપયોગમાં લેવાઇ નથી
સ્મીમેરમાં સ્ટોકમાં દવા હોવા છતાં દર્દીઓ બહારથી દવા લાવવા મજબુર છે .કોવિડ સેન્ટરોમાં વણવપરાયેલી દવા-ઇન્જેક્શનો રૂટીન ઉપયોગમાં લેવાની રજૂઆત છતાં બેદરકારી આચરાઇ છે. - રચના હીરપરા, સભ્ય, હોસ્પિટલ સમિતિ, પાલિકા
થર્ડ વેવની અસરકારતા ઓછી રહેતાં સ્ટોક પડી રહ્યો
ત્રીજી લહેરને પહોંચી વળવા દવા-ઇન્જેક્શનનો જથ્થો એકત્ર કરાયો હતો. થર્ડ વેવને નિયંત્રણમાં આવી જતા આ સ્ટોક બને તેટલી માત્રામાં ઉપયોગી રહ્યો ન હતો. - ડો. આનંદ પટેલ, RMO, સ્મીમેર હોસ્પિટલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.