ઊર્જા મંત્રીને રજૂઆત કરાશે:સુરતમાં ટેક્સટાઈલ્સ ઉદ્યોગકારોની વીજદર યોગ્ય કરવા માગ, ઉદ્યોગોને તાળા મારવાનો વારો આવશે તેવી દહેશત વ્યક્ત કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઈલ્સ ઉદ્યોગકારો ઊર્જામંત્રીને રજૂઆત કરશે. - Divya Bhaskar
ટેક્સટાઈલ્સ ઉદ્યોગકારો ઊર્જામંત્રીને રજૂઆત કરશે.

ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન સમગ્ર ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી એક માત્ર સંસ્થા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ ગુજરાતના કુશળ અને બિન કુશળ લોકોને ખૂબ જ મોટાપાયે રોજગારી આપે છે. સુરતની આજુબાજુના ઓદ્યોગિક વિસ્તાર જેવા કે કીમ, કરંજ, પીપોદરા, સાયણ, ગોથાણ, જોલવા, સચીન અને પલસાણામાં નવા સ્થપાતા ઔદ્યોગિક એકમોને વીજ જોડાણ માટે અને હયાત એકમોને લોડ વધારવાની અરજી કર્યા પછી અને ડિપોઝિટની રકમ ભર્યા પછી પણ લાંબો સમય સુધી વીજ જોડાણ મળતા નથી. હાલ માં DGVCL નવા વીજ જોડાણ કે હયાત એકમોને વીજળી વધારે આપવા માટેની અરજી પણ સ્વીકારવામાં આવતી નથી. ઉદ્યોગકારોએ વીજદર યોગ્ય કરવા માગ કરી છે અને ઉદ્યોગોને તાળા મારવાનો વારો તેવી દહેશત વ્યક્ત કરી છે. ઉદ્યોગકારો આ અંગે ઊર્જા મંત્રીને રજૂઆત કરશે.

DGVCLની કાર્ય પદ્ધતિથી નુકસાન
સુરતની આસપાસના જુદા જુદા ઔદ્યોગિક વિસ્તારની ટોટલ 250થી વધારે અરજી પેન્ડિંગ પડી છે. જેમાં 100 જેટલા એકમોએ ડિપોઝિટ પણ ભરી દીધી છે. જેમની અરજી સ્વીકારવામાં નથી. વીજ જોડાણ સમયસર ન મળવાને કારણે MSME એકમોએ જમીન, મકાન અને મશીનમાં કરેલ રોકાણ નુકસાનકારક સાબિત થાય છે. હાલમાં કેટલાક સમયથી સુરતની આસપાસમાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં વીજકાપ, ટ્રીપિંગ, ઝટકા મારવાની સમસ્યા એકદમ વધી છે. આ કારણે અમારી ઉત્પાદન પ્રક્રિયાને અસર થાય છે. આ વીજકાપ કોઈ પણ જાતની આગોતરી જાણ વગર કરવામાં આવે છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ ધીરે ધીરે અન્ય રાજ્યમાં શિફ્ટ થશે
ઉદ્યોગકાર અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગને સબસિડી રેટથી વીજળી પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં વીજ દર રૂ.7.75 પ્રતિ યુનિટ છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂ.4.50 પ્રતિ યુનિટ છે. જે હરિફાઈવાળા આજના સમયમાં ગુજરાતના ઉદ્યોગોને વધારે ઉત્પાદન ખર્ચ પરવડી શકે નહીં અને એમની સામે ટક્કર લેવી અશક્ય છે. આ બાબતમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો લાખો લોકોને રોજગારી આપતાં આ ઉદ્યોગોને તાળા મારવાનો વખત આવશે. અથવા તો આ ઉદ્યોગો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ધીરે ધીરે પલાયન થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...