ભાસ્કર વિશેષ:સરથાણાના સંજીવની હાઈટ્સમાં ટેક્સટાઈલ વેપારીએ 3.51 લાખની બોલી લગાવી આઠમની આરતી ઉતારી

સુરત2 દિવસ પહેલા
સરથાણાના સંજીવની હાઈટ્સમાં માતાજીની આરતી માટે કાપડના વેપારીએ 3.51 લાખની બોલવી લગાવી પરિવાર સાથે ભક્તિનો લાભ લીધો હતો.
  • ઉત્રાણની શિવાંતા હાઈટ્સમાં આરતીની સાથે વિજળી બચાવોનો મેસેજ અપાયો

મા જગદંબાના નવલી નવરાત્રિના આરાધના પર્વમાં આઠમના દિવસે શહેરની અલગ અલગ સોસાયટીમાં માતાજીની આરતી માટે લાખ્ખો રૂપિયાની બોલી લાગી હતી. જેમાં સરથાણાની સંજીવની હાઈટ્સમાં માતાજીની આરતી માટે 3.51 લાખ રૂપિયાની બોલી લાગી હતી.નવરાત્રિના નવ દિવસમાંથી આઠમનું સૌથી વધારે મહત્વ હોય છે. ત્યારે શહેરની અલગ અલગ સોસાયટીમાં આઠમની આરતી માટે લાખ્ખો રૂપિયાની બોલી લાગી હતી. સાથે સાથે સામાજિક કાર્યો અને સમાજ ઉપયોગી મેસેજ પણ આપવામાં આવે છે. સરથાણા જકાતનાકા પાસે આવેલી સંજીવની હાઈટ્સમાં આરતી માટે બોલી લગાવવામાં આવી હતી.

જેમાં ટેક્સટાઈલના વેપાર સાથે સંકળાયેલા નિલેશ બરવાળિયા અને પંકજ બરવાળિયાએ આઠમની આરતી માટે 3.51 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. આ ઉપરાંત આ સોસાયટીમાં આઠમની આરતી માટે બેન્ડવાજાને બોલાવીને સોસાયટીના પટાંગણમાં જ વરઘોડો કાઢવામાં આવો હતો. હાલ દેશમાં વિજળીની કટોકટી ચાલી રહી છે ત્યારે ઉત્રાણ વિસ્તારમાં આવેલી શિવાંતા હાઈટ્સમાં આઠમની આરતીમાં ‘વિજળી બચાવો’નો મેસેજ આપવામાં આવ્યો હતો. ધર્મની સાથે સાથે સમાજ સેવાની મહેક પણ નવરાત્રિ પર્વમાં ફેલાઈ હતી.

નાણાં સોસાયટીના વિકાસના કામોમાં ઉપયોગ કરાશે
સંજીવની હાઈટ્સના મેમ્બર જયમીન મકાણીએ જણાવ્યું કે, ‘દર વર્ષે આઠમની આરતી માટે લાખ્ખો રૂપિયાની બોલી લાગે છે. આરતીમાં જે સૌથી મોટી બોલી બોલે તેમને માતાજીની આરતી કરવાનો લાભ મળે છે. આરતીની બોલીમાં જે રૂપિયા આવે છે તેનો ઉપયોગ સોસાયટીના વિકાસના કામમાં થાય છે.’