ક્રાઇમ:ધંધો નહીં ચાલતા કાપડ દલાલોએ તેલના 30 ડબ્બા ચોરી વેચી માર્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાહપોરના તેલના વેપારી સાથે ચીટિંગ કરનારા 3 ઝડપાયા
  • ઉધનામાં ઉતારેલા ડબ્બા બીજા વાહનમાં ભરી ચોરી ગયા

કાપડમાર્કેટમાં બે દલાલનો ધંધો ચાલતો ન હોય અને એકની નોકરી છૂટી જવાથી આ ત્રિપુટીએ શાહપોરના વેપારી પાસેથી તેલના 30 ડબ્બા મંગાવી ઠગાઇ કરી હતી. પોલીસે ફૂટેજના આધારે ગુનો ઉકેલીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

શાહપોરના વેપારી અમીન અશરફી પાસેથી 18મી જૂને ‘રામદેવ ટ્રેડર્સમાંથી બોલું છું’ કહી 3 ઠગોએ 72600ની કિંમતના તેલના 30 ડબ્બા મંગાવ્યા હતા. વેપારીએ રિક્ષામાં ડબ્બા મોકલી આપ્યા હતા. એક ઠગે ઉધનામાં બંધ દુકાન પાસે રિક્ષા ઉભી રાખી ડબ્બા ઉતારી લીધાં હતા. જ્યાં મોહિતને ધ્યાન રાખવા ઊભો રાખ્યો હતો અને દિલીપને રૂપિયા લેવા મોકલ્યો હતો. રિક્ષાચાલક તેની પાછળ રિક્ષા લઈ રૂપિયા લેવા ગયો એટલામાં દિલીપ રફુચક્કર થયો હતો. રિક્ષાચાલકે તપાસ કરતા મોહિત અને તેલના ડબ્બાઓ ગાયબ હતા.જે બીજા વાહનમાં ભરી ચોરી ગયા હતા.

આરોપી નિર્મલ ખારવાલ (સ્વસ્તિક રેસિ., નવાગામ, મૂળ. રાજસ્થાન) કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. મંદીમાં તેની નોકરી છૂટી ગઈ હતી. મોહિત જૈન (જીવજ્યોત રેસિ.સિટીલાઇટ, મૂળ રાજસ્થાન) અને દિલીપ શ્રીવાસ્તવ (પ્રયોશા એપાર્ટ, નવાગામ, મૂળ યુપી) કાપડ દલાલી કરે છે. મંદીમાં ધંધો ચાલતો ન હતો. જેના કારણે ત્રણેય ભેગા મળી ગુનાખોરીના રવાડે ચઢવા ગયા હતા.

ફુટેજના આધારે આરોપીઓ ઝડપાયા
લાલગેટ ડી સ્ટાફ PSI અમીન તેમજ સ્ટાફે સીસીટીવી ચેક કરતાં તેમાં 3 લોકો બાઇક પર આવતા દેખાય છે. પોલીસે બાઇકના નંબર આધારે નિર્મલ ખારવાલને પક્ડયો હતો પછી તેની પૂછપરછના આધારે મોહીત જૈન અને દિલીપ શ્રીવાસ્તવ પકડાયા હતા. આરોપીઓએ તેલના ડબ્બા એક સિનિયર સિટીઝનના ઘરે મુક્યા હતા. પોલીસે 30 તેલના ડબ્બા રિકવર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...