સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ વધારી દેવાયા છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. ગત રોજ વધુ 3 કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને 1,44,021 થયો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રસીકરણ લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ બીજો ડોઝ લેવાના બાકી છ લાખ લોકોને પ્રોત્સાહિત કરવા સુરત મહાનગરપાલિકાએ અમદાવાદની એનજીઓના સથવારે વેક્સિનનો બીજો ડોઝ લેનારને એક લિટર તેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. આજે કુલ 180 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.
શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 22 થઈ
શહેરમાં 3 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144021 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગત રોજ શહેરમાંથી 9 અને જિલ્લામાંથી 3 મળી 12 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141883 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 22 થઈ છે.
24 લાખને બીજો ડોઝ અપાયો
શહેરમાં 37.34 લાખે પ્રથમ ડોઝ લઇ લીધો છે. 24 લાખને બીજો ડોઝ અપાયો છે. જોકે બીજા ડોઝ માટે લાયક છતાં રસીથી વંચિત 6.22 લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા બીજો ડોઝ લે તો 1 લિટર તેલના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાનું યોગદાન મળ્યું છે.
ગત રોજ તેલ ફ્રી અપાતા 20 હજાર લોકોને રસી મૂકાઈ
પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત 6.22 લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ 82 રસી કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે. ગત રોજથી શરૂઆતથી 20 હજારથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.