ગ્રીષ્મા મર્ડર કેસ:સુરતમાં જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરાઈ તે ઘટનાનો વીડિયો રેકોર્ડ કરનાર સહિત 18 સાક્ષીઓની કોર્ટમાં જુબાની લેવાઈ

સુરત7 મહિનો પહેલા
ગ્રીષ્મા વેકરિયા (ડાબે) અને હત્યારા ફેનિલની (જમણે) તસવીર
  • આરોપી ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ મિત્ર આકાશને ફોન કર્યો હતો તેની પણ જુબાની થઈ

સુરતમાં કામરેજના પાસોદરામાં વેકરિયા પરિવારની 21 વર્ષની ગ્રીષ્માની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ જણાવ્યું હતું કે, કુલ 9 પંચનામા અને 18 સાક્ષીઓની જુબાની થઈ હતી. આરોપી ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી રહ્યો હતો, ત્યારે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરનારની જુબાની કોર્ટમાં થઈ હતી. આરોપી ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ તેના મિત્ર આકાશને ફોન કરી ગ્રીષ્માની હત્યા કર્યાનું કહ્યું હતું, તે આકાશની જુબાની થઈ હતી.

આ ઉપરાંત પોલીસે આ મામલે મોબાઈલ ફોરેન્સિક પુરાવા મેળવ્યા હતા. પોલીસે ઘટના મામલે જે DVD મળી છે તે જુબાની પણ થઈ હતી. અગાઉ આ કેસમાં ગ્રીષ્માનું પીએમ કરનાર તેમજ ઇજાગ્રસ્તોની સારવાર કરનારા ડોક્ટરોની જુબાની થઈ હતી. આવતીકાલે આ કેસની વધુ સુનવણી હાથ ધરાશે.

ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલની તસવીર
ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલની તસવીર

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું
અગાઉ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.

પોલીસ પાસે ફેનિલના સજ્જડ પુરાવા
ઓડિયો ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી હતી. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

કોર્ટમાં લઈ જતા સમયની ફેનિલની તસવીર
કોર્ટમાં લઈ જતા સમયની ફેનિલની તસવીર

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

અન્ય સમાચારો પણ છે...