અમેરિકામાં સ્થાયી થયેલા સુરતના વધુ એક ગુજરાતીની મોટેલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સચિન લાજપોર પોપડા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા કણબી પટેલ પરિવારના 69 વર્ષીય જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. 25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે વખતે મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી.
મોટેલના સ્ટાફ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોટેલમાં હત્યારો 2 દિવસથી રહેતો હતો. હત્યારો રૂમનું ભાડું ન આપતો હોવાથી માથાકૂટ થઈ હતી. જેમાં હત્યારાએ જગદીશ પટેલને માથામાં ગોળી મારી દીધી હતી. જગદીશભાઈનું આખું ફેમિલી વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી છે અને તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે.
જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે. હસમુખ સ્વભાવના જગદીશ પટેલ કાંઠા વિસ્તારમાં સારા ક્રિકેટર પણ હતા. તેઓ એમટીબી આર્ટસ કોલેજમાં કિકેટ ટીમના કૅપ્ટન પણ રહી ચૂકયા હતા.દોઢ વર્ષ પહેલા પણ આજ રીતે અમેરિકામાં ભરથાણાના દંપતીને મોટેલમાં રહેતા એક બદમાશે રૂમના ભાડા બાબતે માથાકૂટ કરી ગોળી મારી હતી. જેમાં દિલીપનો બચાવ થયો જયારે પત્ની ઉષાબેનનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.