સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી જતા ટેમ્પામાં એકાએક આગ લાગી ગઈ હતી. ટેમ્પાના પાછળના ભાગે આગ લાગ્યા બાદ આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. ટેમ્પાની અંદર ઈચ્છાપુરથી ભંગારનો સામાન ભીંડી બજાર લઈ જવામાં આવી રહ્યો હતો. ટેમ્પોમાં આગ લાગવાની જાણ થતાની સાથે ડ્રાઇવર સાથે અન્ય બે લોકો ટેમ્પોમાં સવાર હતા. થોડો પણ સમય ગૂમાવ્યા વગર ટેમ્પાને સાઇડ ઉપર ઊભો રાખીને ત્રણેય જણા ઝડપથી ઊતરી ગયા હતા. જેમાં ઉતરતી વખતે એકને સામાન્ય ઈજા થઈ હતી.
રસ્તો બંધ કરી દેવો પડ્યો
ટેમ્પો જોતજોતામાં બળીને ખાક થઈ ગયો હતો. ફાયર વિભાગને જાણ થતા ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. સચિન હજીરા હાઇવે પાસે આવેલા દિપલી ગામની નજીક આ ઘટના બની હતી. અતિવ્યસ્ત ટ્રાફિક હોવાને કારણે આગ લાગતાં રસ્તો બંધ કરી દેવાયો હતો. જેને કારણે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમ બહાર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો
ફાયર વિભાગના અધિકારી હિતેશ પટેલના કહેવા મુજબ ટેમ્પો ઈચ્છાપુર જતો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. રોડ ઉપર ચાલુ ટેમ્પામાં આગ લાગી હોવાનું ટેમ્પો ચાલકે જણાવ્યું હતું. ઘટના સ્થળ ઉપર પહોંચીને તાત્કાલિક અસરથી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. ટેમ્પોમાં સવાર ત્રણેય લોકો સહી-સલામત નીચે ઉતરી આવ્યા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પાછળના ભાગેથી આગ લાગ્યા બાદ આ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને આખો ટેમ્પો આગની જવાળાઓમાં લપેટાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.