રોગચાળો બેકાબુ:અલથાણના કેશવ હાઈટ્સમાં કિશોરનું ઝાડા-ઊલટીથી મોત

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસ પહેલા રાજસ્થાનથી આવ્યો હતો

શહેરમાં વકરી રહેલા પાણીજન્ય રોગચાળા વચ્ચે તાવ અને ઉલટી બાદ વધુ એક કિશોરનું મોત નિપજ્યું છે. ગુરૂવારે સવારે ઉલટી થયા બાદ કિશોરની તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુકી સારવાર બાદ કિશોરનું મોત નિપજ્યું હતું.

અલથાણ ચાર રસ્તા પાસે આવેલા કેશવ હાઈટ્સ ખાતે રહેતો ઈલેશ ખીલીયા ગુજ્જર(ઉ.વ.17)પંદર દિવસ પહેલા જ વતન રાજસ્થાનથી કાકાને ત્યાં રહેવા માટે આવ્યો હતો અને ટાઈલ્સ ફિટીંગનું કામ કરતો હતો. બુધવારે તેને તાવ આવ્યો હતો ત્યાર બાદ ગુરૂવારે સવારે ઉલટી થયા બાદ તેની તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર માટે એચ-3 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતો. જ્યાં તેની સારવાર શરૂ કરાઈ હતી. જોકે ટુંકી સારવાર બાદ ગુરૂવારે બપોરે તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે ઈલેશના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાંડેસરામાં પણ ઝાડા-ઉલટી અને તાવના કારણે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમ છતાં સુરત મહાનગર પાલિકાના સ્ટાફ દ્વારા આ વિસ્તારોમાં જે કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે થઈ શકી ન હોવાથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...