સજા મોડી પણ મળે તો ખરી:પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ લેપટોપમાંથી મળી શિક્ષકની લંપટ લીલા, ક્લાસમાં છેડતીનો 3 વર્ષ જૂનો વીડિયો બહાર આવ્યો

સુરત10 મહિનો પહેલાલેખક: પ્રદીપ કુલકર્ણી
  • કૉપી લિંક
રિસેશ ટાઇમમાં ક્લાસ રૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થિનીની છેડતી કરાઈ - Divya Bhaskar
રિસેશ ટાઇમમાં ક્લાસ રૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થિનીની છેડતી કરાઈ
  • વિદ્યાર્થિનીના માતાપિતાને સ્કૂલે જાણ કરી તો બદનામીના ડરે ફરિયાદ ન કરી, સ્કૂલ પાસે શિક્ષકના આવા 5 વીડિયો
  • મૃત્યુ બાદ પણ પ્રિન્સિપાલનું લેપટોપ વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા માટે નિમિત્ત બન્યું
  • પુરાવા એકત્ર કરાયા ના હોત તો શિક્ષકની કરતૂત બહાર આવી ન હોત

સચિનની સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા.

વીડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલાં કરી રહ્યો હતો. સ્કૂલે નિર્ણય કર્યો કે, ભલે સ્કૂલનું નામ જાહેર થાય પણ આવા શિક્ષક સામે જો પગલા ન લેવાય તો તે ફરીથી આવા કૃત્ય કરતો રહેશે એટલે શુક્રવારે ડીઇઓને ફરિયાદ કરાઈ છે. રિસેશ ટાઇમમાં ધોરણ-8ના ક્લાસ રૂમમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા, જેમાં દેખાય છે કે, એક વિદ્યાર્થિની એકલી બેઠી છે. તેની બાજુમાં જઈને નિલેશ ભાલાણી બેસી જાય છે અને તેની સાથે શરીર મસ્તી કરવા લાગે છે, તેની સાથે બેડ ટચ કરે છે.

સચિનની સ્કૂલે સામે ચાલી શિક્ષણાધિકારીને પૂર્વ શિક્ષકની ફરિયાદ કરી
સનલાઇટ સ્કૂલમાં ધો. 8થી 10 સુધીના વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના ક્લાસ લેતા શિક્ષક નિલેશ ભાલાણીએ વર્ષ 2019માં ક્લાસ રૂમમાં ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ ઘટના ક્લાસ રૂમના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કોઈક રીતે આ મુદ્દો સ્કૂલના તત્કાલિન પ્રિન્સિપાલ મનિષ પરમારના ધ્યાને આવ્યો હતો. તેમણે નિલેશ ભાલાણી ઉપર વોચ રાખવાનું શરૂ કર્યું અને તેમના અલગ-અલગ વીડિયો લેપટોપમાં ભેગા કર્યા હતા. આ દરમિયાન મનિષભાઈને કોરોના થયા બાદ ટૂંકી સારવારને અંતે તેમનું અવસાન થયું હતું.

થોડા દિવસો પહેલા જ મનિષભાઈના પરિવારે આ લેપટોપ જ્યારે સ્કૂલને પરત કર્યું ત્યારે તેમાંથી નિલેશની લંપટ લીલા સામે આવી હતી. ઇન્ચાર્જ આચાર્યએ ટ્રસ્ટી જયસુખભાઈને વીડિયો બતાવ્યા હતા. શાળાએ વિદ્યાર્થિનીના વાલીનો સંપર્ક કર્યો પણ તેમણે બદનામીના ડરે ફરિયાદ આપી ન હતી. આ શિક્ષકને શાળામાંથી તો કાઢી મૂકવામાં આવ્યો પણ અન્ય કોઈ સ્થળે પણ આ શિક્ષક આવી કોઈ પ્રવૃત્તિ ન કરે તે માટે સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને નિલેશ સામે પુરાવા સાથે ફરિયાદ આપી છે.

ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીની છેડતી કરનારા નિલેશ ભાલાણી સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે જ આચાર્ય પુરાવા એકત્ર કરી રહ્યા હતા. આ બાબતે શક્ય છે કે તેમણે શિક્ષકને ઠપકો પણ આપ્યો હશે. શાળા સંચાલકના કહેવા મુજબ, લેપટોપમાંથી શિક્ષક નિલેશ ભાલાણીના એક નહીં પણ 5 અલગ-અલગ વીડિયો મળી આવ્યા છે. આચાર્યએ પુરાવા એકત્ર કરી રાખ્યા હતા પરંતુ તેઓ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ મોતને ભેટ્યા હતા. તેઓ મૃત્યુ બાદ પણ વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા નિમિત્ત બન્યા છે.

આવા શિક્ષક સામે કાર્યવાહી ન થાય તો તે આવું કૃત્ય કરતો જ રહેશે
આ ઘટના પ્રિન્સિપાલના મૃત્યુ બાદ તેમના લેપટોપના માધ્યમથી ધ્યાને આવી છે. શાળાની બદનામીના ડરે મોટા ભાગના સંચાલકો આવી ઘટનાઓ દબાવી દેતા હોય પરંતુ અમે એવું ઇચ્છતા જ નથી કે આવી ઘટના અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે પણ થાય.એટલા માટે જ અમે અમારી શાળાના નામ સાથે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. > જયસુખ કથિરિયા, ટ્રસ્ટી, સનલાઇટ સ્કૂલ

મારા પરના આક્ષેપ ખોટા છે, વિદ્યાર્થિની મારી પરિચિત હતી
કોરોના કાળમાં સ્કૂલ દ્વારા મને ખૂબ ઓછો પગાર આપવામાં આવતો હતો, ટ્યૂશન પણ લેવડાવતા હતા. હવે હું બીજી શાળામાં છું એટલે મારી સામે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થિનીની છેડતી કરવાનો મારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે મારી પરિચિત જ છે. આ વિદ્યાર્થિનીએ પણ શાળામાંથી નામ પરત લઈ લીધું છે. મારી પરના આક્ષેપ ખોટા છે. > નિલેશ ભલાણી, શિક્ષક

અન્ય સમાચારો પણ છે...