ફરિયાદ:શિક્ષક પતિ-સાસરિયાએ 5 લાખ દહેજ માટે પરિણીતાને કાઢી મુકી

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેડરોડની પરિણીતાએ મહિલા પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાવી

વેડરોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના સાસરિયાઓએ પાંચ લાખ રૂપિયા માટે ઘરમાંથી કાઢી મુકી હતી. ભોગ બનનાર પરિણીતાનો પતિ-સાસુ-સસરા અને નણંદ તમામ સરકારી સ્કુલમાં શિક્ષક છે. સાસુ સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. મહિલા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, હાલમાં વેડરોડ વિસ્તારમાં રહેતી માધવી( નામ બદલ્યું છે)નાં લગ્ન 2017માં આરોપી જનક પ્રકાશચંદ્ર ઉપાધ્યાય (રહે. શ્યામશીખર એપાર્ટમેન્ટ, મોડાસા,અરવલી) સાથે થયા હતા. લગ્નના અઠવાડિયા સુધી સાસરિયાઓએ માધવીને સારી રીતે રાખી હતી.

ત્યાર બાદ ‘તારા બાપે તો લગ્નનાં કઈં જ આપ્યંુ નથી, આપણા સમાજના રિવાજ મુજબ પાંચ લાખ રૂપિયા તો દહેજમાં દરેક દીકરીનો બાપ આપતો જ આવ્યો છે, તારી સાથે સંબંધ બાંધીને અમે મૂર્ખ બન્યા છે’ જેવી વાતો કહીને દહેજ માંગવાની સાથે સાથે સતત ત્રાસ આપતા રહેતા હતા.માધવીનો પતિ અરવલીમાં સરકારી સ્કૂલમાં શિક્ષક છે. સસરા સરકારી સ્કૂલમાં શિક્ષક હતા અને હાલમાં નિવૃત્ત છે. સાસુ સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે અને નણંદ પણ સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.અગાઉ એક વખત માધવી અને તેના પતિનો અકસ્માત થયો હતો.

ત્યારે સાસુ-સસરા કહેતા હતા કે, ‘તંુ અમારા દીકરા માટે અશુભ છે, તારી લીધે અમારા દીકરાને અકસ્માત નડ્યો છે. હવે ગાડીના નુકસાનના રૂપિયા પણ તારા બાપ પાસેથી લઈ આવ તેમ કહીને સતત હેરાન કરતા હતા. સાસરિયાઓના ત્રાસના કારણે તે સમયે ગાડીના ખર્ચના 11 હજાર રૂપિયા પણ માધવીએ તેના પિતા પાસેથી લાવીને આપ્યા હતા.

માધવીના સીમંતના પ્રસંગમાં તેના પતિએ માધવીના પિતા પાસે સોનાનું બ્રેસલેટ માંગ્યું હતું તેમજ 5 લાખ રૂપિયાના દહેજની માંગણી ચાલુ જ હતી અને જો દહેજ નહીં આપે તો ડિવોર્સ આપી દેવાની ધમકી આપી હતી. ત્રસ્ત થઈને માધવીએ પતિ જનક, સસરો પ્રકાશચંદ્ર, સાસુ ગાયત્રીબેન અને નણંદ સોનાલીબેન શ્યામલકુમાર ભટ્ટ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...