બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં હંમેશા એક શિક્ષકનો હાથ રહેલો હોય છે. સુરત શહેરનાં 52 વર્ષની વયનાં ગીતાંજલી ઈટાલિયાએ એક શિક્ષક તરીકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. પોતાના પરિવાર પર મુશ્કેલી હોવા છતાં બાળકોનું ભણતર ન અટકે તે માટે કમાણી બંધ કરી મધ્યમવર્ગીય બાળકોને વિનામૂલ્યે ભણાવવાનું શરૂ કર્યું. આજે તેમણે ભણાવેલા બાળકો પણ અન્ય જરૂરિયાતમંદ બાળકોને ભણાવી રહ્યાં છે.
પૈસાથી મદદ ન કરી શક્યાં ત્યાં માર્ગદર્શન આપ્યું
ગીતાંજલીબેન જણાવે છે કે, કોઈ બાળક બીમાર થયું હોય તો તેને પણ મદદ કરતી. કયારેક તો મારી પાસે પૂરતી રકમ ન હોય તો મારા ઘરના સભ્યો કે સગાવહાલા પાસે મદદ લેતી અને જાતે એ બાળકને જાતે હોસ્પિટલ લઈ જતી. જયાં હું પૈસાથી મદદ ન કરી શકતી ત્યાં હું કાર્ય સરળતાથી થઈ શકે તે માટે માર્ગદર્શન આપતી. છોકરીઓના સેલ્ફ ડિફેન્સ માટેના સેમિનારનું આયોજન કરું છું. જે બાળકો 2008 માં મારી સાથે જોડાયાં હતાં તેઓ અત્યારે કોલેજમાં છે અને હવે એ દરેક બાળકો પોતાની રીતે તેમની આજુબાજુ રહેતા ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગીય બાળકોને વિનામૂલ્યે ભણાવી રહ્યાં છે.
2008ની મંદીમાં સેવાયજ્ઞ શરૂ કર્યો
ગીતાંજલીબેને વધુમાં જણાવ્યું હતું કે, હું મધ્યમવર્ગીય બાળકો માટે કાર્યરત છું. પહેલાં હું કમાણી માટે મારાં રહેઠાણ કતારગામ ખાતે ટ્યુશન કલાસીસ ચલાવતી હતી. વર્ષ 2008માં સુરતમાં ડાયમંડ બિઝનેસમાં ખૂબ મંદી આવી હતી. એ સમયે ઘણા બધા વાલીઓ બાળકોને ટ્યુશન બંધ કરાવવા લાગ્યા હતા. કારણકે તેઓ ફી ભરી શકતા ન હતા. મારા પતિ પણ ડાયમંડ સાથે જોડાયેલા હતા છતાં મેં મારી કમાણીનું વિચાર્યા વગર એ બાળકોના ભવિષ્યનો વિચાર કર્યો. બસ! એ સમયથી મારા સામાજિક કાર્યોની શરૂઆત થઈ.
ધીમે ધીમે વિદ્યાર્થીઓ વધવા લાગ્યા
વધુમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો ગવર્મેન્ટ શાળામાં બાળકને મૂકી શકાય તેવું દરેક વાલીને સમજાવ્યું અને 500 જેટલા બાળકોનું ખાનગી શાળામાંથી ગવર્મેન્ટ શાળામાં સ્થળાંતર કરાવ્યું. એ સાથે મેં કમાણીના હેતુથી ટ્યુશન કરાવવાનું છોડી એ દરેક બાળકોને વિનામૂલ્યે ભણાવવાનું શરૂ કર્યું. એવા બાળકો જેમને જરૂરિયાત ઘણી હોય પરંતુ માગી ન શકે. નિઃશુલ્ક ભણાવવાનું શરૂ કર્યું તેથી વધારે વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. જેથી મેં ઘરમાં ભણાવવાનું છોડી અલગથી ભાડે રૂમ લીધો અને તેમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું.
વિદ્યાર્થીઓ માટે નાનું પુસ્તકાલય બનાવ્યું
વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને પુસ્તકોની ઘટ હતી તો એ જ જગ્યાએ નાનું પુસ્તકાલય બનાવ્યું. દરેક બાળકો નાના મકાનમાં રહેતા હોવાથી તેમને વાંચવામાં તકલીફ પડતી. એ માટે અમારો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો જેથી બાળક કોઈપણ સમયે ત્યાં આવીને વાંચી ભણી શકે. તેમજ આ બાળકોએ પોતાના ઘરથી નીકળીને કયારેય બહારની દુનિયા જોઈ જ નથી હોતી તેથી હું બાળકોને ભણવાની સાથે ફિલ્મ જોવા, સાયન્સ સિટી અથવા તો બહાર ફરવા પણ લઈ જાઉં છું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.