સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2017માં તાંત્રિકે માતા-પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ આજે કોર્ટમાં ચાલી જતાં આરોપી તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારાઈ છે, સાથે જ પીડિત પરિવારને 4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. મહિલા તેના પતિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તાંત્રિક પાસે ગઈ હતી. એ દરમિયાન તાંત્રિક માતા અને પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
પતિને ખેંચની બીમારી હતી
સુરતના બડે ખાં ચકલા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ખ્વાજા દાના દરગાહ ખાતે આરોપી કમાલ બાબા અખ્તર શેખ તાંત્રિક હોવાનું કહીને લોકોને શારીરિક-માનસિક તકલીફો દૂર કરવા તાંત્રિક વિધિ કરતો હતો. ભોગ બનનાર મહિલાના પતિની માનસિક સ્થિતિ સારી ન હતી. તેને ખેંચ આવતી હોવાની તકલીફ હતી. સારવાર બાદ પણ તેને સારું ન થતાં મહિલાએ તાંત્રિક કમાલ બાબાનો ખ્વાજા દાનાની પ્રસિદ્ધ દરગાહ પર જઈ સંપર્ક કર્યો હતો.
વિશ્વાસમાં લઈ દુષ્કર્મ આચરેલું
મહિલા વારંવાર તાંત્રિક કમાલ બાબાને મળવા બડે ખાં ચકલા ખાતે આવેલી ખ્વાજા દાના દરગાહ પર જતી હતી. આરોપીએ ભોગ બનનાર મહિલાને વિશ્વાસમાં લઇને તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવીને તેની 14 વર્ષની દીકરીને પણ તેણે બોલાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
કોર્ટે આજીવન કેદ ફટકારી
ફરિયાદી પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે તાંત્રિકનું કામ કરતો કમાલ બાબાએ માતા અને પુત્રી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાબતે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા તમામ પુરાવા કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. જજે કલમ 376, 504, 506 (2), પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો છે. આજીવન કેદની સજા સંભળાવી છે, સાથે જ પીડિત પરિવારને ચાર લાખ વળતર આપવાનો પણ હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.