તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી:સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી 5 ફૂટ ઊંચાઈ ધરાવતો ગાંજાનો છોડ મળ્યો, તપાસ પહેલાં જ પોલીસે છોડ સળગાવી દીધો

સુરત5 મહિનો પહેલા
5 ફૂટનો ગાંજાનો છોડ થઈ ગયો છતાં હોસ્પિટલ તંત્રને જાણ ન થઈ. - Divya Bhaskar
5 ફૂટનો ગાંજાનો છોડ થઈ ગયો છતાં હોસ્પિટલ તંત્રને જાણ ન થઈ.
  • ગાંજાનો છોડ લગભગ 7-8 માસથી વધુ સમયથી હોવાની શક્યતા
  • હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ છેડ્યો

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળી આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. છોડ ગાંજાનો જ હોવાથી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ છેડ્યો હતો. લગભગ 7-8 માસના છોડની હાઈટ 5 ફૂટથી વધારે હોવાનું સામે આવ્યું છે. હાલ એક જ છોડ મળી આવ્યો હોવાનું જાગ્રત નાગરિકે જણાવ્યું હતું, સાથે સાથે આ બાબતે RMOને પણ જાણ કરી હોવાનું કહ્યું છે. જોકે સરકારી હોસ્પિટલ કેમ્પસમાં ગાંજાના છોડ ઊગી આવ્યા હોવાથી અજાણ RMOના કાને આ વાત પહોંચતાં જ દોડતા થઈ ગયા છે. દરમિયાન પોલીસ દ્વારા છોડને સળગાવી દેવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું છે.

ખૂબ જ ગંભીર બાબત, તપાસ કરીશું: RMO
કેતન નાયકે (RMO) જણાવ્યું હતું કે ખૂબ જ ગંભીર બાબત છે, એની ચોક્કસ તપાસ કરીશું. જોકે સ્થળ મુલાકાત કરતાં કોઈ અજાણ્યા પોલીસ કર્મચારીઓએ છોડ ઉખાડી 10 મીટરમાં જ સળગાવી દઈ નિકાલ કરી દેતાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. કેતન નાયકે જણાવ્યું હતું કે હું આ છોડને સિવિલના ગાર્ડન વિભાગ અને વન વિભાગને મોકલી ચકાસણી કરાવવાની તૈયારી કરી રહ્યો હતો. હવે છોડની ડાળ અને મળી આવેલા પાંદડા મોકલી ચેક કરાવીશ અને કુદરતી વાવણી કે કોઈએ વાવણી કરી છે એની તપાસ કરાવીશ.

ગાંજાના છોડને સળગાવી દેવામાં આવતાં પ્રશ્ન ઊભો થયો.
ગાંજાના છોડને સળગાવી દેવામાં આવતાં પ્રશ્ન ઊભો થયો.

પોલીસ કમિશનરની મુલાકાત દરમિયાન જ છોડ મળ્યો
સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો હોવાની જાણ બાદ સુપરિન્ટેન્ડેન્ટ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પોલીસ કમિશનર ફેટનેશ માટે સિવિલ આવતાં આખું તંત્ર એમાં વ્યસ્ત થઈ ગયું હતું. પોલીસ કમિશનર અજય તોમરની મુલાકાત દરમિયાન જ ગાંજાના મળી આવેલા છોડને લઈ ભાગદોડ મચી ગઇ હતી. જોકે કુદરતી રીતે ગાંજાનો છોડ ઊગી નીકળ્યો હોવાનું હાલ પ્રાથમિક ધોરણમાં બહાર આવ્યું હોય શકે છે, એવું તબીબી અધિકારીઓનું માનવું છે. જોકે તપાસ કરાશે એવું નામ ન લખવાની શરતે કહી રહ્યા છે.

સિવિલ કેમ્પસમાં જ ગાંજાનો છોડ મળી આવતાં તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી.
સિવિલ કેમ્પસમાં જ ગાંજાનો છોડ મળી આવતાં તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી.

ગાંજાના છોડ મળી આવતાં સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊભા થયા
સુરત સિવિલ હોસ્પિટલ હાલ વારંવાર વિવાદમાં આવી રહી છે. ક્યારેક કર્મચારીઓ સાથે તાનાશાહીભર્યું વર્તન તો ક્યારેક દારૂની બાટલીઓને લઈ તો ક્યારેક કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું જેવા અનેક વિવાદો બાદ હવે ગાંજાના છોડ મળી આવતાં સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊભા થયા છે. હાલ સરકાર નશામુક્ત ગુજરાત બનાવવા માટે ભાગદોડ કરી પોલીસ પાસે ખડેપગે કામ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત ગાંજાના છોડ સુરત સિવિલ કેમ્પસમાં જ મળી આવ્યા હોવાની ચર્ચાએ તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી છે.

ગાંજાનો છોડ 7-8 મહિનાનો છોડ 5 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવી રહ્યો હતો.
ગાંજાનો છોડ 7-8 મહિનાનો છોડ 5 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવી રહ્યો હતો.

છોડ MICU પાછળ આવેલા જંગલી જાડીમાંથી મળી આવ્યો
એક જાગ્રત નાગરિકે દાવો કર્યો છે કે આ છોડ ગાંજાનો છે. નશો કરતા ઈસમોએ પણ છોડ ગાંજાનો હોવાનું કહી રહ્યા છે. 7-8 મહિનાનો છોડ 5 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવી રહ્યો હતો. આ છોડ MICU પાછળ આવેલા જંગલી જાડી-ઝાખરામાંથી મળી આવ્યો છે. જાગ્રત નાગરિકનું કહેવું છેકે આવા છોડની વાવણી પર પ્રતિબંધ છે એટલે મારું કામ તંત્રને જાગ્રત કરવાનું છે. બાકી તપાસમાં જે નીકળ્યું એ વિશે મારો દાવો છે કે આ છોડ ગાંજાનો જ છે.

કોંગ્રેસ નેતાએ આક્ષેપો કર્યા
હરીશ સૂર્યવંશી (કોંગ્રેસ નેતા) એ જણાવ્યું હતું કે સિવિલ કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવવા એ દુઃખ ની વાત છે. સિવિલ મજુરા વિધાનસભામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી ડ્રગ્સમુક્ત ગુજરાત બનાવવાની વાત કરી રહ્યા છે અને બીજી બાજુ એમના જ મત વિસ્તારમાં એટલે કે સરકારી કેમ્પસમાં ગાંજાના છોડની વાવણી કરાઈ રહી છે. આવા સંજોગોમાં ગૃહ રાજ્યમંત્રીએ ચોક્કસ રાજીનામુ આપી દેવું જોઈએ. આગામી દિવસોમાં આવી ગંભીર બાબતોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ રોડ ઉપર ઉતરી વિરોધ નોંધાવશે.