સુરતની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના લક્ષણો સાથે નિદાન માટે જઈ રહેલા દર્દીઓના સિટી સ્કેનમાં કોરોના થયો હોય તેવું લાગે છે પણ આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવે તો રિપોર્ટ નેગેટિવ આવે છે પણ તે જ દર્દીનો સ્વાઈનફલુનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. આ સ્થિતિને કારણે હવે મોટા ભાગની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોરોના શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓના બે રિપોર્ટ કરાવવામાં આવે છે.
શહેરની બે મોટી ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફલુના આવા સાત દર્દી સારવાર હેઠળ છે. જે દર્દીઓને સ્વાઈન ફલુ છે તેમના પણ 80 ટકા ફેફસાં ઈન્ફેકટેડ છે. આવા ત્રણ દર્દી પૈકી બે ઓકિસજન પર સારવાર હેઠળ છે જયારે 45 વર્ષીય એક વ્યકિત વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. કોરોના અને સ્વાઈન ફલુના એક જ સરખા લક્ષણો હોવાથી પ્રારંભિક તબક્કે શું હોય શકે તે સ્પષ્ટ થતું નથી.પલ્મોનોલોજીસ્ટ ડો. સમીર ગામીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમારી હોસ્પિટલમાં સ્વાઈન ફલુના ચાર દર્દીઓ દાખલ છે.
સ્વાઇન ફ્લૂના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે
અત્યારે રોજના બે થી પાંચ દર્દીઓ કોરોનાના લક્ષણો સાથે આવે છે પણ તેમને સ્વાઈન ફલુ ડીટેકટ થાય છે. સ્વાઈન ફલુના દર્દીઓને પણ ઓકિસજનની જરૂર પડે છે પણ કોરોના કરતા ઓછી માત્રામાં જરૂર પડે છે. જો કે, બંને વાઈરસ ફેફસાંને અસર કરે છે.
સ્વાઈન ફલુ અને કોરોના બંને ફેફસાં પર અસર કરે છે
સ્વાઈન ફલુ અને કોરોના વાઈરસના લક્ષણો સરખા છે. જેમાં શરદી, ખાંસીથી શરૂ થાય છે, ગળામાં બળતરા, શ્વાસ ચઢવો, છાતીમાં દુ:ખાવો અને તાવ આવવો આ મુખ્ય લક્ષણો છે. બંનેના રિપોર્ટ માટે પણ ગળા અને નાકના સ્વેબ લેવામાં આવે છે. જો કે, બંને સ્વાઈન ફલુ અને કોરોનાના બંને વાઈરસ ફેફસાં પર અસર કરે છે. બાદમાં ફેફસા નબળા થવાથી દર્દીનું મોત થવાની શકયતા પણ રહેતી હોવાનું ડોકટરોનું કહેવુ છે.
કોરોનાના લક્ષણો સાથે રોજના 2થી 5 દર્દી આવે છે
રોજના બે દર્દી કોરોના શંકાસ્પદ લક્ષણો સાથે આવે છે. પ્રાથમિક તબક્કે સીટી સ્કેન કરાવતા તેમના લંગ્સ ઈન્વોલ દેખાય છે પણ આરટીપીઆરમાં તે નેગેટિવ આવતા સ્વાઈન ફલુનો રિપોર્ટ કરાવીએ છીએ જેમાં તેઓ પોઝિટિવ મળે છે. સ્વાઈન ફલુ અને કોરોનાના લક્ષણો પણ મહદ અંશે સરખા છે પણ ટ્રીટમેન્ટ જુદી છે. > ડો.પ્રતિક સાવજ, ઈન્ફેકશન સ્પેશિયાલીસ્ટ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.