પાલિકાના ડ્રાફ્ટ બજેટ પર ચર્ચા:બજેટ સભામાં પ્રવેશ માટે આપના કોર્પોરેટરોની અંગઝડતી લેવાઈ સ્વાતી ક્યાદા 2 કલાક બોલ્યા પણ બજેટ પર ચર્ચા ન કરતા સસ્પેન્ડ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈ-બજેટમાં  કોર્પોરેટરો લેપટોપ લઈને તો બેઠા પણ મોટાભાગનાના સ્ક્રીન બંધ - Divya Bhaskar
ઈ-બજેટમાં કોર્પોરેટરો લેપટોપ લઈને તો બેઠા પણ મોટાભાગનાના સ્ક્રીન બંધ
  • પ્રથમ દિવસે પ્રવેશ આપવા અગાઉ તલાશી લેવાતાં આપે કહ્યું ‘અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર’
  • સભા દરમિયાન મોડી સાંજે સભાખંડની લાઇટનો ચોક સળગી જતાં કોર્પોરેટરોમાં નાસભાગ મચી, આગ કાબૂમાં આવતાં જ સભા બરખાસ્ત કરાઈ, આજે સવારે 9 વાગ્યાથી ફરી ચર્ચા શરૂ કરાશે

પાલિકા-શિક્ષણ સમિતિના વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટ પર મેરેથોન ચર્ચા શરૂ થઇ છે. પ્રથમ દિવસે શાસકપક્ષે પ્રધાનમંત્રી મોદીનું નામ લઇ વિકાસ કામોના ભરપેટ વખાણ કર્યા હતા. બીજી તરફ વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સભામાં પક્ષપલટુ કરીને આવેલા 6 નગરસેવકો પણ બેસ્યા હતા. જેને લઇ શાસકપક્ષના સભ્યો અવારનવાર વિપક્ષને મ્હેણાંટોણા મારતાં શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.

બજેટ પર વિપક્ષના મહિલા સભ્ય સ્વાતી ક્યાદાાએ સતત 2 કલાક સુધી શાસકોને આડેહાથ લીધા હતા. શાસક નેતા, સ્ટેન્ડીંગ ચેરમેન, પાણી સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓએ ઊઠીને ચાલતી પકડી હતી. દરમ્યાન સાંજે 7 કલાકે ડાયસ પરથી મેયરે સ્વાતી ક્યાદાને બેસી જવા ટકોર કરી હતી. જો કે તેમણે સભ્યોને બોલવાનો અધિકાર છે, તમે બોલતા નહિં અટકાવી શકો એમ કહી બોલવાનું ચાલુ રાખતાં મેયરે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. પ્રવેશ અગાઉ આપના કોર્પોરેટરોની અંગઝડતી લેવાતાં તર્ક-વિતર્ક શરૂ થયા હતા. આપે વિરોધ કરતાં જણાવ્યું કે, અમે આતંકવાદી હોય તેમ તલાશી લેવાઈ રહી છે.

વિપક્ષી સભ્યએ કહ્યું, બોલવા શિખી રહ્યા છે, મેયરે કહ્યું, અમારી પાસે આવો
વોર્ડ નં 5ના આપની નગરસેવિકા નિરાલી પટેલ દબાણ, સફાઇ, બાળ સ્મશાનભૂમિનો વિકાસ, જર્જરિત શાળાઓ, શાળાઓ પાસે દારૂના અડ્ડા બાબતે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે મેયરે બજેટ પર બોલવા ટકોર કરતા નિરાલી પટેલે અમે શિખી રહ્યા છે એવું કહ્યું હતું. જે અંગે વ્યંગ કરતા સભા અધ્યક્ષ મેયરે કહ્યું, શિખવું હોઇ તો અમારી સાથે આવી જાવ.

પક્ષપલટું કોર્પોરેટર બોલવા ઊભા થતાં વિપક્ષે કહ્યું, ‘પૈસા બોલતા હૈ...’
ભાજપમાં જોડાયા પછીની પહેલી જ બોર્ડમાં ભાવના સોલંકીએ શાસકોની વાહવાહી કરી હતી. તેમણે મોકો આપવા બદલ મેયરનો આભાર માનતા વિપક્ષે ‘મેયરે નહિં પણ મતદારોએ અહીં મોકલ્યા છે’ એવી ટકોર કરી હતી. ચર્ચામાં શાળા નં. 353માં પ્રવેશ માટે 3500 વિદ્યાર્થીઓનું વેઇટીંગ હોવાની સિદ્ધિ ગણાવતા વિપક્ષે ‘પૈસા બોલતા હૈ’ જેવી કોમેન્ટ પણ કરી હતી.

ઉર્વશી પટેલે કહ્યું, ‘તમને જોડીશું અમારામાં, ક્યાં તો તોડીશું તમારામાં’
ઉર્વશી પટેલે 6 કોર્પોરેટરોએ ખેસ પહેરી લીધા બાદની સ્થિતિ મુદ્દે શાયરીમાં કહ્યું કે, ‘તમને જોડીશું અમારામાં, ક્યાં તો તોડીશું તમારામાં’. વિપક્ષ સભ્ય મહેશ અણઘણે ‘તમને તોડવા સિવાય શું આવડે છે’ એવો વ્યંગ કર્યો હતો. હોસ્પિટલ કમિટી ચેરમેન રાજેશ જોળિયાએ વિપક્ષના સભ્યો વચ્ચે બોલતા હોવાથી ‘કાલે તમે ક્યાં હશો તમને ખબર ન હોય?’ એવું કહ્યું હતું.

અમિતસિંગ રાજપૂત UPના દરબાર છે, ઓછું ન આંકતા: દિપેન દેસાઇ
​​​​​​​દોડાવી દોડાવીને મારીશું કહેનાર વિપક્ષી નેતાને દિપેન દેસાઈએ કહ્યું કે, શહેરમાં 2470 કરોડના ખર્ચે અત્યાર સુધીમાં 115થી વધુ બ્રિજ બન્યા છે અને હજી 885 કરોડના ખર્ચે 8 બ્રિજ બનશે. તેમણે શાસકપક્ષ નેતાને દોડાવી દોડાવીને મારવાનું કહેનાર વિપક્ષી નેતાને આડકતરો જવાબ આપ્યો હતો કે, ‘અમિતસિંગ રાજપુત UPના દરબાર છે. ઓછું ન આંકતા’

સારા કામને બિરદાવવા માટે 56ની છાતી હોવી જોઈએઃ દર્શિની કોઠિયા
​​​​​​​આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયાએ સભામાં જણાવ્યું હતું કે, પાલિકાએ લોકોના સુખાકારી અને સુવિધાને હરહંમેશ પ્રાથમિકતા આપી છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બજેટમાં સવિશેષ પ્રાવધાનો કરવામાં આવ્યા છે. જો શાસકો અને તંત્ર દ્વારા સારૂં કામ કરવામાં આવતું હોય તો તેને બિરદાવવા માટે પણ 56 ઈંચની છાતીની જરૂર હોય છે.

શહેરના તમામ પ્રવેશ દ્વારના રોડ RCCના બનાવાશે : પરેશ પટેલ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે શાસકો કટિબદ્ધ છે અને તેના ભાગ રૂપે જ સુરત શહેરની મુલાકાતે આવનારાઓમાં સુરત શહેરની એક અલગથી છાપ ઉપસે તે માટે શહેરના તમામ પ્રવેશ દ્વાર પર આવેલા ડામરના રોડને બદલે સિમેન્ટ - ક્રોંક્રિટના રોડ બનાવવામાં આવશે.

‘ગ્રીષ્માને 2 મિનિટનું મૌન પૂરતું નથી, આવું ફરી ન બને એવાં આયોજનો જરૂરી’
વિપક્ષી સભ્ય સ્વાતી ક્યાદાએ જણાવ્યું કે, ગ્રીષ્મા વેકરીયાને 2 મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવી પૂરતી નથી. આવી ઘટના ન બને તે માટે નક્કર આયોજનો કરો. તેમણે સ્કૂલ-કોલેજોમાં આત્મ સુરક્ષા-માટે કરાટે, લાઠી, સ્વીમીંગ અને એનસીસીની ફરજિયાત વિષય તરીકે તાલીમ આપવા માગ કરી બજેટમાં જોગવાઇ કરવા રજૂઆત કરી હતી. તેમણે પાલિકા સભાનું લાઇવ ટેલિકાસ્ટ કરવા પણ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...