રજૂઆત:સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સુરત કલેક્ટરને રજૂઆત, ત્રીજી લહેરની શક્યતા નહિવત દેખાતા ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માંગ

સુરત21 દિવસ પહેલા
સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.
  • બાળકોને દિવાળી પહેલાથી જ યોગ્ય શિક્ષણ આપવાની શરૂઆત કરવા માંગ

કોરોના સંક્રમણની ત્રીજી લહેરા આવી શકે છે એ વાતની ચર્ચાને હવે પૂર્ણ વિરામ લાગતું હોય તેવું જણાઈ રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે હવે કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવા જોઈએ. જેથી બાળકોને દિવાળી પહેલાથી જ યોગ્ય શિક્ષણ આપવાની શરૂઆત થઈ શકે.

ઓનલાઇન શિક્ષણના કારણે બાળકોને ઘણી બધી સમસ્યાઓ
કોરોના સંક્રમણ શરૂ થતાની સાથે જ સૌથી વધુ કોઈને અસર થઇ હોય તો તે શિક્ષણ ક્ષેત્રે થઈ છે. બાળકોના આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓ સૌથી પહેલા બંધ કરી હતી અને અત્યાર સુધી પણ ધોરણ 1થી 5ના વર્ગો ચાલુ કરવા કે કેમ તે અંગેની કોઈ જાહેરાત કરી નથી. જોકે હાલ શિક્ષણક્ષેત્રે સંકળાયેલા સ્વનિર્ભર શાળાના સંચાલકો ઓફલાઈન શિક્ષણનો આગ્રહ કરી રહ્યા છે. કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં છે ત્યારે હવે બાળકોને પણ શાળાઓની અંદર ઓફલાઈન વર્ગખંડમાં બેસાડવાનું શરૂ કરવું જોઈએ. જેથી કરીને તેમને યોગ્ય રીતે શિક્ષણ આપી શકાય. લાંબા સમયથી તેઓ માત્ર ઓનલાઇન શિક્ષણ મેળવતા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ પણ ઉભી થઇ રહી છે.

દિવાળી પહેલા વર્ગખંડ શરૂ થઈ જાય તો બીજા સત્રની અંદર બાળકોને ભણવામાં સરળતા રહેશે.
દિવાળી પહેલા વર્ગખંડ શરૂ થઈ જાય તો બીજા સત્રની અંદર બાળકોને ભણવામાં સરળતા રહેશે.

બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઝડપીથી નિર્ણય લેવો જોઈએ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરુએ જણાવ્યું કે શહેરમાં કોરોના સંક્રમણ લગભગ નિયંત્રણમાં આવી ગયું છે. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જરૂરિયાત જણાઈ રહી છે. બાળકોના આરોગ્યની ચિંતા કરીને સરકારે જે નિર્ણય અત્યાર સુધી લીધા છે તેને અમે સ્વીકારીએ છે. પરંતુ હવે ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ કરવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છે. દિવાળી પહેલા વર્ગખંડ શરૂ થઈ જાય તો બીજા સત્રની અંદર બાળકોને ભણવામાં સરળતા રહેશે અને રાબેતા મુજબ જે ધોરણના પહેલા સ્થિતિ હતી. તે જ પ્રકારની સ્થિતિમાં વિદ્યાર્થીઓને બેસાડીને શાળામાં શિક્ષણકાર્ય શરૂ થઈ જશે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં ઝડપથી નિર્ણય લેવો જોઈએ.