• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Swami Of Swaminarayan Sampraday In Surat Said In The Story, 'In 2022, Savarnos Will Clear Something', AAP Leaders Posted On Social Media

કથામાં 'રાજકારણ':સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કથામાં કહ્યું, '2022માં સાવરણો કંઈક તો સાફ કરશે', AAPના નેતાઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી

સુરત3 મહિનો પહેલા
વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટીપ્પણી વાઈરલ થઈ રહી છે
  • ઓનલાઈન કથામાં વિશ્વવલ્લભ સ્વામીએ વિધાનસભામાં આપને સફળતા મળવાના ગર્ભિત સંકેત આપ્યા

સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટીપ્પણી વાઈરલ થઈ રહી છે. વિશ્વવલ્લભ સ્વામીએ કથામાં કહ્યું કે,' દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ. સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.' 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવશે તેવું ગર્ભિત રીતે જણાવતા સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.

સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા મહંત વિશ્વવલ્લભ દાસજીસ્વામીના વક્તા પદે અમદાવાદમાં ગીતામૃતમ કથા ચાલી રહી છે, જેમાં રાગ-દ્વેષ વિષય પર વાત કરતા સ્વામીએ ગામડાઓની ચૂંટણીઓ બાદ એકબીજા પ્રત્યે દ્વેષભાવ ઊભો ન થવો જોઈએ તેમ જણાવ્યું હતું. જે વ્યક્તિને જે નેતા કે પક્ષ ગમતો હોય તેના વખાણ કરી શકાય. ત્યાર બાદ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી અંગે સંકેત આપતા સ્વામીએ કહ્યું હતું કે, 2022માં ગુજરાતમાં દિલ્હીથી સાવરણો આવી રહ્યો છે, એ કંઈક તો સાફ કરશે જ. કારણ કે સફાઈ કરવી સાવરણાનું કામ છે.

કથામાં કરેલા આ નિવેદનની ક્લિપ કટીંગ થઈને સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગુજરાતી વક્તાઓમાં સૌથી વધારે પોપ્યુલર ગણાતા સંત સ્વામીના નિવેદનથી રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. સુરત પાલિકાના આપના કોર્પોરેટરોએ પણ પોતાના સોશિયલ મીડિયા પર સ્વામીજીના પ્રવચનનો વીડિયો ફરતો કર્યો હતો.

સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે
સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે

સ્વામીએ માર્મિક ટીપ્પણી કરી
ઘણી વખત સંતો દ્વારા રાજકીય વાતો તથા મંચ ઉપરથી કરતા હોવાનું જોવા મળે છે. સમયાંતરે કથાકારો કે, મહંતો દ્વારા રાજકીય પક્ષોની આલોચના કે, પ્રશંસા કરતા હોવાના વીડિયો સામે આવતા હોય છે. વિશ્વવલ્લભ સ્વામીએ કહ્યું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જોઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જોઈએ. આગળ વાત કરતા વિશ્વલ્લભ સ્વામી કહ્યું કે, દિલ્હીથી કેજરીવાલનો સાવરણો ગુજરાતમાં આવ્યો છે. હવે ગુજરાતમાં સાવરણો આવ્યો છે તો, સફાઈ તો કરશે જ એ તો પાક્કું છે. કોની સફાઈ કરશે તે ખબર નથી.પણ સફાઈની તૈયારી તો રાખવી જ પડશે.

આપના કોર્પોરેટર પણ સ્વામીના વીડિયોને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રહ્યાં છે.
આપના કોર્પોરેટર પણ સ્વામીના વીડિયોને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રહ્યાં છે.

AAPએ વીડિયો પોસ્ટ કર્યો
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે વાત કરી છે, તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓ શરૂ કરી દીધો છે. આપના નેતાઓના ધ્યાન પર આવતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા ઉપર વિશ્વવલ્લભ સ્વામીના પ્રવચનમાં આમ આદમી પાર્ટીની વાત કરતા દેખાઈ રહ્યા છે. તે ભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો છે.

લોકોની સાથે સંતો પણ આપની કામગીરીને સમર્થન આપી રહ્યાં છે-આપ
લોકોની સાથે સંતો પણ આપની કામગીરીને સમર્થન આપી રહ્યાં છે-આપ

સંતો પણ વિશ્વાસ મૂકે છે-આપ
આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના સંયોજક રામ ધડકે કહ્યું કે, ગુજરાતની પ્રજા તો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ રાખી રહી છે. પરંતુ હવે, ધીરે ધીરે સંતો મહંતો પણ માની રહ્યા છે કે, સાવરણો કચરો સાફ કરી નાખશે. વિશ્વ વલ્લભ સ્વામી પરોક્ષ રીતે તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સફળ થશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવ્યો છે, તો કંઈક તો સફાઈ કરશે. સંત દ્વારા બોલાયેલા શબ્દો અને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છીએ. જેથી ગુજરાતની પ્રજાને પણ જાણ થાય કે, જે રીતે લોકો અમારામાં વિશ્વાસ રાખી રહ્યા છે. તે જ રીતે હવે ગુજરાતના સંતો પણ માની રહ્યા છે કે, આપને સફળતા મળશે.

કથામાં રમૂજમાં બોલાય, ખોટું અર્થઘટન ન કરવું
કોઈ પક્ષનો પ્રચાર કરવો કે ઘસાતું બોલવું એ અમારા સ્વભાવમાં નથી. પરંતુ કોઈ વખત કથામાં કોઈ પ્રસંગોને ધ્યાનમાં રાખીને રમૂજમાં કોઈ શબ્દો બોલાઈ જાય. હવે ગુજરાતમાં સાવરણો આવે છે એનો અર્થ એ નથી કે અમે કોઈ પક્ષના પ્રચારક છીએ. હળવાશથી લીધેલી વાતનું ખોટું અર્થઘટન કે વિવાદ કરવો જોઈએ નહીં. > વિશ્વવલ્લભ દાસજી સ્વામી

પ્રજા બાદ હવે સંતોને પણ ‘આપ’ પર વિશ્વાસ
ગુજરાતની પ્રજા સાથે હવે સંત-મહંતો પણ માની રહ્યા છે કે, સાવરણો કચરો સાફ કરી નાખશે. વિશ્વ વલ્લભ સ્વામી પરોક્ષ રીતે તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સફળ થશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવ્યો છે, તો કંઈક તો સફાઈ કરશે. > રામ ધડક, સંયોજક,દક્ષિણ ઝોન, આમ આદમી પાર્ટી